સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત; 7 લોકોનાં કરુણ મોત

Samruddhi Expressway Accident: મુંબઈથી લગભગ 400 કિમી દૂર જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કડવાંચી ગામ નજીક મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે નજીક સમૃદ્ધિ હાઇવે પર ગઈકાલે રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ત્યારે આ દુર્ઘટનામાં 7 લોકોના મોત(Samruddhi Expressway Accident) થયા છે અને પાંચ ઘાયલ થયા છે. અકસ્માતની જાણ આસપાસના ગામોના લોકો સુધી પહોંચતા જ ચારેબાજુ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

અર્ટીગા કાર હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર પડી
આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર સીએનજી પુરાવ્યા બાદ બીજા હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા કાર હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર પડી હતી, જ્યારે મુસાફરો કારમાંથી કૂદીને રોડ પર પડી ગયા હતા. બીજી કાર કચરાના ઢગલાની જેમ બીજી તરફ પડી હતી.

અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના મૃતદેહ હાઈવે પર લોહીથી લથપથ પડેલા જોવા મળ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

પોલીસે આપી જાણકારી
પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે ડીઝલ ભરીને વિરુદ્ધ દિશામાં જઈ રહેલી સ્વિફ્ટ ડીઝાયર કાર MH.47.BP.5478 નાગપુરથી મુંબઈ જઈ રહી હતી ત્યારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર કડવાંચી ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને સમૃદ્ધિ હાઈવે નીચેથી બહાર કાઢીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રમાં આંશિક રીતે કાર્યરત છ-લેન અને 701 કિલોમીટર લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.