અમેરિકામાં ગુજરાતના પટેલ પરિવારના પિતા-પુત્રીની હત્યા; સ્ટોરમાં ઘૂસી કર્યો ગોળીબાર, જાણો સમગ્ર ઘટના

America Crime News: અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાના વર્જિનિયામાં મહેસાણા વતની પિતા-પુત્રીની હત્યા (America Crime News) કરવામાં આવી છે. આ સનસનીખેજ ઘટના અમેરિકાના વર્જિનિયામાં બની છે.

મહેસાણાના પિતા પુત્રીની અમેરિકામાં હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યા કરવામાં આવી છે. મૃતક મૂળ મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના સભ્યો છે. તેઓ સ્ટોરમાં બેઠા હતા, તે સમયે એક અશ્વેત વ્યક્તિએ સ્ટોરમાં પ્રવેશ કરી 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ(પિતા) અને 24 વર્ષીય ઉર્વિ પ્રદિપકુમાર પટેલ(પુત્રી)ની ગોળી મારી હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે.

લોકોમાં ભયનો માહોલ ફેલાયો
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા ભારતીયો અને ગુજરાતી સમાજમાં શોકની સાથે ભયની લાગણી ફેલાઇ છે. જોકે હજુ હત્યાનું કારણ જાણી શકાય નથી.

પોલીસે આરોપીની ધરપકડ કરી
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ કરી લીધી છે.સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલ્દી જ હત્યાનું કારણ સામે આવશે.