સુરત(Surat): વાહન ચોરીના કેસમાં પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવ્યા પછી પિતાએ ઠપકો આપતા કાપોદ્રા(Kapodra)ના ધોરણ 12ના વિદ્યાર્થીએ નાના વરાછા(Nana Varachha) કલાકુંજ પાસે આવેલા રિવર બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. તારીખ 21મીએ ઘરેથી નીકળ્યા પછી પડતું મુકનાર વિદ્યાર્થીનો સોમવારના રોજ બ્રિજ નજીકથી જ મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અમરેલીના મોટાલીલીયા તાલુકાના સેઢાવદર ગામના વતની અને કાપોદ્રા ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હસમુખભાઈનો 17 વર્ષીય પુત્ર જેનીશ ઘર પાસે શુભલક્ષ્મી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.
તારીખ 21મીના રોજ જેનીશ ઘરે કાઈ કહ્યા વગર જ નીકળી ગયો હતો. નાનાવરાછા કલાકુંજ નજીકના નવા બ્રિજ પર પહોંચી તાપીમાં મોતની છલાંગ લગાવી હતી. આ દરમિયાન કોઈ બાઈક ચાલકની નજર પડતા ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ જેનીશ મળી આવ્યો ન હતો.
બીજી બાજુ જેનીશ ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગવાને કારણે અંતે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ દરમિયાન સોમવારના રોજ સવારે બ્રિજ પાસે જ તાપીમાંથી જેનીશનો મૃતદેહ મળી આવ્યો હતો.
કાપોદ્રા પોલીસે જણાવતા કહ્યું હતું કે, જેનીશ 21મીએ ગુમ થયો હતો. તેના 3 દિવસ અગાઉ જ વાહનચોરીના કેસમાં જેનીશને પોલીસ દ્વારા તેના પિતા સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને જેનીશ ખરાબ સંગતમાં જઈ રહ્યો છે તેવું તેના પિતાને કહ્યું હતું અને જેનીશને સમજાવવામાં આવ્યો હતો. ઘરે ગયા પછી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેના કારણે જેનીશે આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં અવી રહી છે. સાથે સાથે ધોરણ-12ની પરીક્ષા આપી હોવાથી તેના રીઝલ્ટના ટેન્શનમાં પણ પગલું ભર્યું હોવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.