બનાસકાંઠામાં 21 લોકોના મોતના જવાબદાર બાપ-દીકરાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચ કરશે પૂછપરછ

Banaskantha factory Blast: બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ધમધમતી દિપક ટ્રેડર્સ નામની ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી અને ગોડાઉનમાં પહેલી એપ્રિલે જોરદાર વિસ્ફોટ (Banaskantha factory Blast) થયો હતો. આ વિસ્ફોટમાં આગ ફાટી નીકળતા 21 શ્રમિકના મોત થયા હતા. એટલું જ નહીં, આ ઘટનામાં કેટલાક શ્રમિકો દાઝી પણ ગયા છે, જેમની સારવાર હાલ ચાલુ છે.

આ ઘટના પછી ફેક્ટરી માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેમના પુત્ર દીપક ખૂબચંદ મોહનાનીની ધરપકડ કરાઈ છે. પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું છે કે, ‘આ કેસમાં આરોપી પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.’

FSLની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો
ડીસા અગ્નિકાંડ મામલે પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ગણતરીના કલાકોમાં મુખ્ય બે આરોપીને ઈડરથી ઝડપી લીધા છે. હાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે, પોલીસને જ્યાં જ્યાંથી માલ મળ્યો ત્યાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈ તપાસ ચાલુ છે. એલ્યુમિનિયમ પાઉડરને કારણે વિસ્ફોટ થયો છે. એલ્યુમિનિયમનું આસાનીથી વેચાણ થઇ શકે છે અને એલ્યુમિનિયમમાં બ્લાસ્ટ થાય તો તે ખૂબ સળગે છે જેના કારણે આટલી મોટી ઘટના બની છે.’

આરોપીઓ ફટાકડા પ્રોડક્શનનું સ્વીકારી રહ્યા નથી
વધુમાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘આરોપીઓના સાબરકાંઠામાં પણ ગોડાઉન છે અને આરોપીઓના કોની સાથે કનેક્શન હતા તેની તપાસ ચાલી રહી છે, આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. આ ઉપરાંત દીપક ખૂબચંદ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલો હતો આ કેસમાં કેમિકલ સાથે સંકળાયેલા નિષ્ણાતોની મદદ લેવાશે. હાલમાં આરોપીઓ ફટાકડા પ્રોડક્શનનું સ્વીકારી રહ્યા નથી.’