ફરીદાબાદ: આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ફરી એકવાર દહેજના કારણે નવપરિણીતાએ જીવન ટૂંકાવી દેવાનો મામલો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, સાસરિયા વારંવાર મારઝૂડ કરી ત્રાસ આપતા હોવાથી નવપરિણીતાએ પોતાના પિયરમાં જઈને આત્મહત્યા કરી દીધી. આત્મહત્યા કરતાં પહેલા તેણે પોતાના પરિજનોના નામે એક સુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં તેના મોત માટે તેણે સાસરિયાઓને જવાબદાર ગણાવ્યા છે. જોકે, આ મામલો લગભગ દોઢ મહિના પહેલાનો છે પરંતુ પોલીસ દ્વારા હવે સાસરિયાઓ વિરુદ્ધ દહેજ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નવપરિણીતા નૈનાના લગ્ન 4 મહિના પહેલા વલ્લભગઢની સંજય કોલોનીમાં રહેતા યુવક સાથે થયા હતા. નૈનાનો પરિવાર પણ સંજય કોલોનીમાં રહે છે અને તેના સાસરિયા પણ સંજય કોલોનીમાં જ રહે છે. એક પ્લોટ અને 50,000 રૂપિયાની માંગને લઈને સાસરિયાઓ દ્વારા નૈનાને ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો. નૈનાના માતા-પિતા દહેજમાં માંગેલી વસ્તુઓ ન આપી શકવાના કારણે તેની સાથે વારંવાર મારઝૂડ કરવામાં આવતી હતી. નૈનાના સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા.
નૈનાની બહેન પ્રીતિના જણાવ્યા અનુસાર, લગભગ દોઢ મહિના પહેલા ખૂબ જ ક્રૂરતાથી તેની બહેન નૈના સાથે મારપીટ કરીને તેના સાસરિયા તેને પિયર મૂકી ગયા હતા. ઘરે પહોંચીને નૈનાએ ફંદાથી લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું અને આ અંતિમ પગલું ભરતા પહેલા એક સુસાઇડ નોટ છોડી હતી. જેમાં તેણે તેની પર ગુજારવામાં આવેલા ત્રાસ વિશે અને આત્મહત્યા કરવાનું કારણ પણ જણાવ્યું હતું.
આ અંગે પ્રીતિએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેની બહેન નૈનાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી તો પરિવારના સભ્યોએ જોયું કે તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા જે સાસરિયાઓની મારપીટના કારણે થયા હતા. પ્રીતિનું માનીએ તો પોલીસ દ્વારા દોઢ મહિના બાદ સાસરિયાની વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. હવે તે લોકો ઈચ્છે છે કે, આ તમામ લોકોની પોલીસ ધરપકડ કરી લે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.