જાન્યુઆરી માસમાં વાસણા વિસ્તારમાં એક પરિણીતાએ આપઘાત કરતા હવે આ અંગે સાસરિયાઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં મૃતક પરિણીતાના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીને પતિ, સાસુ-સસરા ખૂબ જ ત્રાસ આપતા હતા. એકવાર નોકરીથી પરત આવતી વખતે પરિણીતાને તેના પતિએ રોડ પર છૂટ્ટો ફોન માર્યો હતો. જેથી દીકરી ડરીને બેભાન થઈ ગઈ હતી. આટલું જ નહીં ઘરખર્ચ માટે તેના પતિએ એગ્રીમેન્ટ બનાવ્યું હતું. જેમાં પરિણીતા ઘરમાં 20 હજાર આપતી હોવા છતાં તે બાબતનો ઉલ્લેખ કર્યો ણ હતો અને તેને સહી કરવા ત્રાસ આપ્યો હતો. આટલું જ નહીં પરિણીતાને એકલી કેનેડા કમાવવા જવાનું દબાણ કરી પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. છેવટે પરિણીતાએ કંટાળીને પોતાના પિયરમાં આપઘાત કરી લીધો હતો.
ન્યૂ વાસણામાં રહેતા વૃદ્ધ આર્મીના એક સિવિલ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત થયા છે. વર્ષ 2019માં તેમણે તેમની પુત્રીના લગ્ન કરાવ્યા હતા. તેમની પુત્રી જે જગ્યાએ નોકરી કરતી હતી ત્યાં જ તેમનો જમાઈ પણ નોકરી કરતો હતો. લગ્ન બાદ ત્રણેક માસ બાદ સાસુ-સસરા અને પતિએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પિયરમાંથી કંઈ લાવી નથી તેમ કહીને સાસરિયાઓ તરફથી દહેજ બાબતે ત્રાસ આપવામાં આવતો હતો.
એક દિવસ પતિ-પત્ની ઓફિસેથી ઘરે આવતા હતા. આ દરમિયાન પરિણીતા સાથે તેના પતિએ રોડ પર જ ઝઘડો કર્યો હતો. પરિણીતાનો મોબાઈલ ફોન તેને છૂટ્ટો મારતા તે ડરી ગઈ હતી અને બેભાન થઈ જતા તેનો પતિ તેને પિયરમાં લઈ ગયો હતો. જ્યાં પરિણીતાની માતાએ તેની સારવાર કરાવી હતી. એકાદ મહિના પરિણીતા તેના પિયરમાં રહી હતી. ત્યારબાદ સાસરિયાઓ તેને તેડવા આવ્યા તો પરિણીતાના પરિવારજનોએ પરત મોકલવાની ના પાડી હતી.
સાસરિયાના લોકોએ ખાતરી આપી હતી કે, હવેથી ત્રાસ નહીં આપે માટે મહિલા સાસરે ગઈ હતી. બીજી તરફ પરિણીતાના પિતાએ ટુકડે ટુકડે 1.50 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પરિણીતાને તેના સાસરિયાઓ એકલી કેનેડા જઈને કમાવવા માટે દબાણ કરતા હતા. પરિણીતાએ એકલી જવાની ના પાડી તો તેના પર અહીં નોકરી સાથે બિઝનેસ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહીં તેના પતિએ હદ પાર કરી અને ઘર માટે એક એગ્રીમેન્ટ બનાવ્યું હતું. જેમા સામાજિક ખર્ચ અને મકાનનો હપ્તો તે ભરશે તેમ લખાણ કર્યું હતું.
પત્ની દર મહિને ઘરમાં 20 હજાર આપતી હોવા છતાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરિણીતાએ સહી કરવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં આવી ગઈ હતી. પરિણીતાએ તારીખ 20ના રોજ તેના પિયરમાં જ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વાસણા પોલીસ દ્વારા પરિણીતાના સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજા એક બનાવમાં શહેરના વાડજ પોલીસસ્ટેશનમાં એક પરિણીતાએ તેના પતિ, દિયર અને નણંદ વિરુધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા અને તેનો પતિ બંને એઇડ્સગ્રસ્ત છે. લગ્નના થોડા સમય પછી તરત જ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને દીયરે ઝેરી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેથી પરિણીતાને તેનો પતિ પિયરમાં થોડા દિવસ રહેવાનું કહી મૂકી ગયો હતો. પછી તે તેને તેડવા આવ્યો ન હતો. આટલું જ નહીં પરિણીતાએ પરત જવા પતિને ફોન કર્યો તો તેણે ફોન પણ બંધ કરી દીધો હતો. પરિણીતાએ આ અંગે પોલીસને અરજી આપી હતી. આ મામલે હવે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle