સુરતના વેસુ વિસ્તારના લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી ભીષણ આગ; 3 ફ્લોર આગની ઝપેટમાં, જાણો કારણ

Surat Fire Incident: સુરત શહેરમાં ફરીથી આગ લાગવાની ઘટના ઘટી છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એન્ક્લેવના સાતમા માળે આગ લાગી છે. આ આગ ત્રણ માળ (Surat Fire Incident) સુધી પ્રસરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ કરોડોના ફ્લેટમાં શું ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો કે આગ આટલી બધી પ્રસરી ગઈ એ મોટો સવાલ છે. નોંધનીય છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ત્યાં પહોંચીને લોકોને મદદ કરી હતી.

હેપી એન્ક્લેવના સાતમા માળે આગ લાગી
વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્ક્લેવની નાની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ત્રણ માળ સુધી પ્રસરી ગઈ હતી. સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી. હાલ મળતી માહિતી પ્રમાણે, આ ફ્લેટના તમામ લોકો સુરક્ષિત છે. આગ લાગ્યાની જાણ થતા આ ત્રણ માળ પર રહેતા તમામ લોકોને અગાશીમાં લઇ જવામાં આવ્યા હતા. જેના કારણે તેમને ગૂંગળામણ ન થાય કે કોઈ ઇજા ન પહોંચે.

હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસના આદેશ આપ્યા
આ ગોઝારી આગ અંગે સ્થાનિક વ્યક્તિએ વાતચીતમાં જણાવ્યુ છે કે, “મને લાગે છે કે, શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગી ત્યારે બધા નીચે ઉતરી ગયા. આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અહીં આવી ગયા હતા અને તેમણે ફાયરબ્રિગેડને બોલાવીને તાત્કાલિક એક્શન લીધી છે. આ આગમાં ઘરની વસ્તુઓને નુકશાન થયું છે પરંતુ કોઈ વ્યક્તિને નુકશાન નથી થયું. તમામ લોકો સુરક્ષિત નીચે ઉતરી ગયા છે.”

સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ
આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણ ચાલુ રહી જતા અચાનક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી.સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી, જ્યારે નવમા માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં લાકડાં, પીઓપી, પ્લાયવૂડ અને ફાઇબર સામગ્રી મૂકવામાં આવી હતી. જેના કારણે આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું.

જાનહાની ટળી
અન્ય એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે, આ ચારેબાજુથી ખુલ્લું બિલ્ડિંગ હોવાને કારણે આ આગ ફટાફટ પ્રસરી હતી. જોકે, હવાની સારી અવરજરના કારણે આગ જલ્દી બુઝાઈ પણ જશે. આટલી મોટી આગમાં કોઈ જાનહાની નથી થઈ તે ખૂબ સારી વાત છે.