આજે રાત્રે દસ વાગ્યે પણ હશે બપોરના 12 જેવી ગરમી: ગુજરાતીઓ પોકારી ગયા તોબા તોબા

Heatwave forecast: રાજ્યમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને કહી રહ્યા છે હે સૂર્યદેવ હવે ખમૈયા કરો. કારણ કે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં હજી 5 દિવસ આગના ગોળા વરશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત્ છે. ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી તેમ હવામાન વિભાગની આગાહી(Heatwave forecast) જણાવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંતોના જણવ્યા અનુસાર અમદાવાદીઓ આજે તોબા પોકારી ઉઠશે. કારણ કે, આજે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જશે. જો કે આવો હાલ રાત્રે પણ જોવા મળશે, દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમી બાદ રાત્રે પણ લોકોને ગરમીમાંથી રાહત મળશે નહીં. આજે રાત્રે 10 વાગ્યે પણ 40 ડિગ્રી તાપમાન હશે.

ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
ગુજરાતનું સામાન્ય તાપમાન ઊંચું જતા હવામાન વિભાગ દ્વારા 45 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય રીતે 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય ત્યારે કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ક્રાઇટ એરિયા બદલાતા 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમી નોંધાઈ હોવા છતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ઓરેન્જ એલર્ટ હોય તો પણ શહેરીજનોએ સાવધાન રહેવાની ખૂબ જ જરૂરિયાત છે. કારણ કે, આટલી ગરમી વચ્ચે ગંભીર બીમારીઓ જીવલેણ સાબિત થઈ શકે છે.

અમદાવાદીઓએ 45 ડીગ્રી કરતા વધુ ગરમીમાં શેકાવું પડશે 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદીઓએ 45 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાનમાં શેકાવું પડશે. ગતરોજ રાત્રે લઘુતમ તાપમાન પણ 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આટલું તાપમાન દિવસ દરમિયાન મહત્તમ તાપમાન હોય છે જ્યારે અત્યારે ઉનાળામાં જ રાત્રિ દરમિયાનનું લઘુતમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેથી શહેરીજનોને દિવસે ગરમીમાં શેકાયા બાદ રાત્રે પણ ગરમીથી અકળામણ અનુભવે છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હજુ પણ આગામી 4-5 દિવસ આ પરિસ્થિતિમાંથી છુટકારો મળે તેવી સંભાવના નથી.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં વહેલી સવારથી જ એટલે કે 7 વાગ્યાથી જ તાપમાનમાં વધારો થઈને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ સવારે 9 વાગ્યાથી જ તાપમાનનો પારો 36 ડિગ્રીને વટાવી ચૂક્યો હતો. બપોરના 2 વાગ્યા સુધીમાં 43 ડિગ્રીએ પહોંચશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યાથી તાપમાનનો પારો તેની ટોચ પર પહોંચવાની સંભાવના છે. એટલે કે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી જશે.

જો કે ગરમીના સમયગાળા દરમિયાન હીટ સ્ટ્રોક જેવી બીમારીના કેસો સામે આવતા હોય છે.  ગરમીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગના કેસો પર નિયંત્રણ હોય છે, પરંતુ ગત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં ડેંન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગના કેસ પણ નોંધાયા છે.  આ ઉપરાંત ગરમીને કારણે આઉટ દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે તથા ઝાડા-ઊલટીના કેસ પણ વધ્યા છે. તેમ છતાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હીટ સ્ટ્રોકના એક પણ દર્દી આવ્યા નથી તેમ જણાવવામાં આવ્યું હતું.