ભગત બન્યો ચોર: પહેલા મંદિરમાં પૂજા કરી પછી હનુમાનજીનો મુગટ ચોરી ગયો…

Mirzapur Viral Video: ઉત્તરપ્રદેશના મીરજાપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંયા એક ચોરે પહેલા મંદિરમાં 15 મિનિટ સુધી પૂજા કરી અને પછી મંદિરમાં (Mirzapur Viral Video) સ્થાપિત હનુમાનજીની પ્રતિમા ઉપરથી ચાંદીનો મુગટ લઈને રફુચક્કર થઈ ગયો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. જેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે.

મંદિરમાં પહેલા 15 મિનિટ કરી પૂજા
આ ઘટના જિલ્લાના ઉત્તર ભાગમાં ટેઢવા સહસેપુરમાં 27 ડિસેમ્બરના રોજ બની હતી. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચોર પહેલા મંદિરમાં આવે છે અને પછી મૂર્તિની સામે જ પલાઠી વાળી બેસી જાય છે. તે પૂજા કરવા લાગે છે. તેણે સૌથી પહેલા હનુમાનજીને પગે લાગ્યો આજુબાજુ જોયું અને પછી સીધો મંદિરના ગર્ભ ગૃહમાં ચાલ્યો ગયો.

ત્યાંથી હનુમાનજીનો ચાંદીનો મુગટ ઉતાર્યો અને થેલામાં નાખી ફરાર થઈ ગયો. જાણકારી અનુસાર મંદિરમાં આ મુગટ પૂર્વ મંત્રી રંગનાથ મિશ્રાએ ચાર વર્ષ પહેલાં ચઢાવ્યો હતો. શુક્રવારના રોજ મંદિરના પૂજારી પૂજા કરી ઘરે ચાલ્યા ગયા હતા. આ વચ્ચે ચોરે મુગટ પર પોતાનો હાથ સાફ કરી લીધો હતો.

જ્યારે બપોરે પૂજારી મંદિરના દરવાજા બંધ કરવા માટે આવ્યા તો જોયું કે હનુમાનજીના ચાંદીના મુગટની ચોરી થઈ ગઈ હતી. તે જોઈને તે દંગ રહી ગયા અને તરત જ સીસીટીવી ફૂટેજ જોવા લાગ્યા. એવામાં તેમણે જોયું કે બપોરના સમયે બે લોકો મંદિરમાં ઘૂસ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ મુગટ ચોરી ભાગી ગયો હતો.

બીજા પ્રયત્ને ચોરી કરી હતી
સીસીટીવી જોતા માલુમ થયું કે ચોરએ બીજા પ્રયત્નમાં મુગટ ચોર્યો હતો. પહેલી વખત તે જ્યારે ચોરી કરવા પ્રયત્ન કર્યો, ત્યારે મંદિરમાં કોઈ આવી ગયું હતું. જેના કારણે તે મુગટ પર હાથ સાફ કરી શક્યો ન હતો. ત્યારબાદ તે રાહ જોવા લાગ્યો. તેના ગયા બાદ તેણે મુગટ ઉઠાવ્યો અને ભાગી ગયો.

સમગ્ર ઘટનામાં ચોકાવનારી વાત એ છે કે એ મંદિરથી ફક્ત 200 કિલોમીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસને જાણકારી આપવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.