દિલ્હી(Delhi)ના ગુરુગ્રામ(Gurugram)ના સેક્ટર-77માં નિર્માણાધીન પામ હિલ્સ સોસાયટી(Palm Hills Society)ના 17મા માળેથી પડી જવાથી ચાર મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક મજૂર 12માં માળે જ ફસાઈ ગયો હતો. આના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટના મંગળવારે સાંજે બની હતી જ્યારે કામદારો બહુમાળી બિલ્ડિંગમાં ટાવર ક્રેન ગોઠવી રહ્યા હતા. પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
ઘાયલ મજૂરને સારવાર માટે ઉમા સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સેક્ટર-77માં આવેલી પામ હિલ્સ સોસાયટીમાં અકસ્માતમાં ચાર મજૂરોના જીવ ગુમાવ્યા બાદ બહુમાળી ઈમારતોની સુરક્ષા વ્યવસ્થાનો પર્દાફાશ થયો છે. ઘટનાસ્થળ પર હાજર રવિ કુમારે દુર્ઘટનાની સ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે, મજૂરો સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામ કરતા હતા, પરંતુ તેમને જોવા માટે કોઈ નહોતું. લોકોએ કહ્યું કે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો જેઓ મોંઘા ભાવના ફ્લેટ વેચે છે તેમના માટે મજૂરોના જીવની કોઈ કિંમત નથી.
લોકોએ જણાવ્યું કે બિલ્ડર દ્વારા નિયુક્ત કરાયેલા સુપરવાઈઝર પણ અવાર-નવાર અહીં આવતા હતા. તેમને કામદારોની સુરક્ષા સાથે પણ કોઈ લેવાદેવા ન હતી. બિલ્ડર અને તેના ઉચ્ચ અધિકારીઓ બાંધકામના કામોનું નિરીક્ષણ કરવા સ્થળ પર આવ્યા ત્યારે પણ તેઓએ કામદારો તરફ ધ્યાન આપ્યું ન હતું.
આ રીતે થઇ દુર્ઘટના:
અકસ્માતમાં જીવ ગુમાવનારા મજૂરો સેફ્ટી બેલ્ટ પહેર્યા વિના 17મા માળે બાલ્કનીમાં બેઠા હતા. સામાનને ઉપર-નીચે લઈ જવા માટે 17મા માળે આગળ ક્રેન પર શટરિંગ મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ જે ક્રેનમાં બેઠા હતા તે ભાગનું સંતુલન ખોરવાયું અને બધા સીધા 17મા માળેથી નીચે પડ્યા હતા. અકસ્માતમાં એક મજૂર બિલ્ડિંગના 12મા માળે ફસાઈ ગયો હતો, જ્યારે 4 મજૂર સીધા નીચે પડી ગયા હતા. નીચે પટકાતા ચારેય મજૂરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
અકસ્માત પછી હાહાકાર મચ્યો:
દુર્ઘટના સમયે લગભગ 50 મજૂરો સ્થળ પર કામ કરી રહ્યા હતા, જેમાંથી મોટાભાગના બિલ્ડિંગની બીજી બાજુ હતા. જ્યારે અકસ્માત થયો તે બાજુ માત્ર 10 જેટલા મજૂરો હતા. અકસ્માત બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો, ત્યારબાદ તમામ કામદારો એકઠા થઈ ગયા હતા. તે જ સમયે, માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
કોન્ટ્રાક્ટરને કામદારોની સુરક્ષાની કોઈ પડી નથી:
કિશનગંજના રહેવાસી અને તહમીદના પરિચિત તૌકીરે જણાવ્યું કે તહેમીદ અને લગભગ 50 અન્ય મજૂરો ઝખી અનવર નામના લેબર કોન્ટ્રાક્ટર દ્વારા બિહારથી ગુરુગ્રામ આવ્યા છે. તેમાંથી 20 માત્ર કિશનગંજના છે. તૌકીરે કહ્યું કે કોન્ટ્રાક્ટરને પણ કામદારોની સુરક્ષાની કોઈ ચિંતા નથી. તે બિહારથી મજૂરો લાવે છે, તેમને ગુરુગ્રામમાં મુકે છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લઈને જતો રહે છે. તેમણે કહ્યું કે કામદારોની સમસ્યાઓ સાંભળનાર અને સમજવા માટે કોઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.