પોરબંદરમાં જળપ્રલય: અનેક વિસ્તારો 17 ઈંચ વરસાદથી જળબંબાકાર, ચોતરફ પાણી જ પાણી- જુઓ વિડીયો

Rains in Porbandar: પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડતા 14 ઇંચ વરસાદથી આખુ શહેર જળબંબાકાર થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી છે. ક્યાંય રસ્તો જ દેખાતો નથી. પોરબંદરમાં(Rains in Porbandar) દિવસ દરમિયાન આઠ અને રાત્રિ દરમિયાન છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદરમાં ભારે વરસાદના લીધે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. કેટલીય ઓફિસો અને દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. ભારે વરસાદના લીધે સમગ્ર શહેરમાં વરસાદી વેકેશન સર્જાયું હોય તેવી સ્થિતિ છે.

પોરબંદરમાં જળ તાંડવ
મેઘરાજાએ ભારે પવન અને વીજ ગર્જના સાથે પોરબંદરમાં રીતસરનું તાંડવ નૃત્ય કર્યુ હતુ. શહેરના બિરલા રોડ, છાયા ચોકી રોડ, રાણીબાગ, એમ.જી. રોડ, એસવીપી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ક્યાંય સુધી રસ્તો જ દેખાતો ન હતો. શહેરના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે કેશોદ અને વંથલીમાં 3.5 ઇંચ, મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

માળીયા, માંગરોળ, વિસાવદરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જુનાગઢમાં 0.5 ઈંચ, વંથલીમાં 3.5 ઇંચ, ભેંસાણમાં 0.5 ઇંચ, મેંદરડામાં 2.5ઇંચ, કેશોદમાં 3.5 ઇંચ પડ્યો છે. માંગરોળની નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચાર ગામો તાલુકાથી સંપર્ક વિહોણા થયા છે. સેખપુર, લંબોરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. નોળી નદીમાં પુરની સ્થિતિ સર્જાતા ગામોમાં તંત્ર દ્વારા ટેલીફોનિક સંપર્ક કરાયો છે.

પોરબંદરમાં રેસ્ક્યુ ઓપરેશન
પોરબંદરમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બીજી તરફ ફસાયેલા લોકોને પણ બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. જેમાં 13 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે આ દિલધડક રેસ્ક્યુ ઑપરેશનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.પોરબંદર શહેરના એમ. જી. રોડ, એસવીપી રોડ, બિરલા રોડ, છાયા ચોકી રોડ, રાણીબાગ સહિતના મુખ્ય માર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા હતા.

વીજ ગર્જના અને ભારે પવન સાથે મેઘરાજાએ પોરબંદર શહેરમાં વરસાદી તાંડવ કર્યું હતું. પોરબંદર શહેરમાં 20થી 30 વૃક્ષો ધરાશાઇ થયા હતા. શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તો બીજી બાજુ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ રેલવે ટ્રેક પર ધોવાયા હત અને રેલવે સ્ટેશન પર પાણી ભરાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. રેલવે ટ્રેક ધોવાતા 8 જેટલી પોરબંદર જતી ટ્રેનોને રદ કરવામાં આવી હતી.

પોરબંદર 14 ઈંચ વરસાદ
શિમલા આઈસ ફેક્ટરી પાસે વયોવૃદ્ધ અપંગ દંપતી પણ પાણીના કારણે ફસાયું હતુ. આ સાથે ધોધમાર વરસાદ અને વરસાદનો પ્રવાહ વચ્ચે રીક્ષાની અંદર બેઠેલું દંપતી પણ પ્રચંડ વેગમાં તણાવા લાગ્યું હતુ જેમનો પણ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. જેના વીડિયો સામે આવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે પોરબંદર 14 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જેમાં રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.