આજથી RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ: તમારા બાળકોને ધો.1 થી 8 સુધી મળશે ફ્રી એજ્યુકેશન, જાણો વિગતે

Gujarat RTE Admission 2025: રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને વંચિત બાળકોને પણ શિક્ષણનો હક મળે કે હેતુથી વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ (Gujarat RTE Admission 2025) માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરા કર્યા હોય તેવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. આ માટે ફોર્મ ભરવાની શરૂઆત 28મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી https://rte.orpgujarat.com/ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

RTEની પ્રવેશ પ્રક્રિયાની મહત્વની તારીખ
શાળામાં RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 28મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ચાલશે. આ બાદ જિલ્લા કક્ષાઓ ફોર્મની ચકાસણી કરીને એપ્રૂવલ અથવા રિજેક્શનની કામગીરી 28થી 13 માર્ચ સુધીમાં કરવામાં આવશે. અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને 18 માર્ચથી 20 માર્ચ સુધી 3 દિવસની તક આપવામાં આવશે. આ ડોક્યુમેન્ટની ફરીથી જિલ્લા કક્ષાએ 18 માર્ચથી 21 માર્ચ સુધી ચકાસણી કરવામાં આવશે. આ બાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 27મી માર્ચે જાહેર કરવામાં આવશે.

વાલીઓની આવક મર્યાદા કેટલી રહેશે?
RTE હેઠળ બાળકના એડમિશન માટે અરજી કરી રહેલા ગ્રામ્ય વિસ્તારના વાલીની વાર્ષિક આવર 1,20,000ની મર્યાદામાં હોવી જોઈએ જ્યારે શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયાની મર્યાદામાં હોવી જોઈએ.

કેટલી સીટો પર બાળકોને પ્રવેશ અપાશે?
રાજ્ય સરકારના RTE પોર્ટલ મુજબ, ગુજરાતમાં વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 93527 બેઠકો પર બાળકોને પ્રવેશ આપવામાં આવશે. ડેમાં સુરત શહેરમાં સૌથી વધુ 15239 સીટો છે, સુરત ગ્રામ્યમાં 3913 સીટ રહેશે. જ્યારે અમદાવાદ શહેરમાં 14,778, અમદાવાદ ગ્રામ્યમાં 2262, રાજકોટ શહેરમાં 4415, રાજકોટ ગ્રામ્યમાં 2187, વડોદરા શહેરમાં 4846 અને વડોદરા ગ્રામ્યમાં 1606 સીટો માટે એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ફોર્મ ભરતી વખતે વાલીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ /પાસપોર્ટ/ વીજળી બિલ/ પાણી બિલ/ ચૂંટણી કાર્ડ/ રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.

જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર-ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે. (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં).

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું.

ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટકરવું. ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.