પદ્મભૂષણ-રોમન મેગ્સેસે જેવા અનેક એવોર્ડથી સન્માનિત ‘SEWA’નાં સ્થાપક ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

હાલ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી આવી છે કે, અમદાવાદ (Ahmedabad)માં સ્વાશ્રયી મહિલા સેવા(SEWA) સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટ (Ilaben Bhatt)નું 89 વર્ષની વયે અવસાન થયું છે. ઇલાબહેનના નાના અમદાવાદના જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતાં. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે તેમની નોકરી છોડી દીધી હતી. ઈલાબહેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં. એટલે કે, સમગ્ર પરિવાર ખુબ જ દેશપ્રેમી હતો.

બાળપણ, શિક્ષણ અને કારકિર્દી:
મળતી માહિતી અનુસાર, ઇલાબેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933માં અમદાવાદ ખાતે થયો હતો. અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેનના માતા-પિતા સુશિક્ષિત હોવાથી પરિવારમાં જ તેમને શિક્ષણ, સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું. સુરતની એમટીબી કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી.

આરંભે એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કર્યા બાદ તેઓ ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન સાથે જોડાયા હતા. આ નોકરી જ આખરે તેમના જીવનધ્યેય સુધી દોરી જવામાં નિમિત્ત થઈ હતી. તેમના પતિ રમેશભાઈ ભટ્ટ અર્થશાસ્ત્રનાં અધ્યાપક હતા. તેમને મિહિર અને અમીમયી નામે બે બાળકો છે.

સેવા સંસ્થા સિદ્ધિ અને પ્રદાન:
જેમનું નામ સેવા સંસ્થા સાથે સંકળાયેલું છે એવા ઇલાબેન ભટ્ટ ગુજરાતનાં એક વિશિષ્ટ તથા સેવાપ્રિય મહિલા હતા. ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશનના માધ્યમથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ઈલાબહેન ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમનાં પ્રશ્નોથી વાકેફ થયા. તેમણે વિચાર્યું કે આ બાબત તો ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્પર્શે છે. આથી તેમણે ભારત પરત ફરીને લેબર એસોસિએશનના માધ્યમથી સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી.

SEWA એક એવું કામદાર મંડળ છે જેની સભ્ય સંખ્યા ભારતમાં બીજા કોઈપણ મંડળ કરતા વધુ, લગભગ દસ લાખ કરતા પણ વધુ છે. આ મંડળ ગુજરાત ઉપરાંત ચારપાંચ રાજ્યોમાં પણ કાર્યકરે છે. ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુનર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે સેવા સંસ્થાના માધ્યમથી ઈલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર પણ અનુકરણ થયું છે.

‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી:
જાણવા મળ્યું છે કે, ઇલાબેને ‘વિશ્વ મહિલા બેંક’, ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારા ઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે. ઇલાબેનના કેટલાક પુસ્તકો જેવાકે ‘શ્રમ શક્તિ’, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’, અને ‘વી આર પુઅર બટ સો મેની’ માં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દ્રષ્ટિગોચર થાય છે.

ઇલાબહેન ભટ્ટને મળેલ એવોર્ડ:
ત્યારે હવે ઇલાબહેન ભટ્ટને મળેલ એવોર્ડ વિશે વાત કરીએ તો તેમને 1977માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગૌરવની વાત તો એ છે કે, ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. આ પછી 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો, 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો, 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ 2010માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરાથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *