ઠંડીની મોસમમાં લસણના ભાવમાં અધધધ વધારો; મોઘું થતાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

Garlic Price Hike: શિયાળામાં લસણના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે. બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડી રહ્યા છે. બજારમાં માલની આવક ઘટી છે. શિયાળાને પગલે લસણની (Garlic Price Hike) માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે. અમદાવાદના હોલસેલમાં લસણની કિંમત રૂપિયા 300થી રૂપિયા 350 છે.

લસણના ભાવમાં વધારો
ગુજરાત બહારથી લસણની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાંથી 40 હજાર અને રાજસ્થાનમાં 8 હજાર કટ્ટાની આવક થઈ રહી છે. લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યા છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં સતત લસણની આવકમાં વધારો થઈ રહ્યો છે.તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 800 કટ્ટાની લસણની આવક નોંધાય છે અને માર્કેટિંગ યાર્ડમાં લસણનો ભાવ 3500 રૂપિયાથી 4200 રૂપિયા નોંધાયો હતો.

કમોસમી વરસાદના કારણે લસણના પાકને નુકશાન
આ અંગે લસણના વેપારીએ જણાવ્યું કે, સમગ્ર દેશને જોઇએ એટલો આ વખતે લસણનો પાક નથી. ગત બે વર્ષ દરમિયાન ભાવ એટલા નીચા આવી ગયા હતા કે ખેડૂતોને લસણ ફેંકવું પડયું હતું. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદથી નુકસાન થયું છે. બે વર્ષ અગાઉ લસણની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ખેડૂતોને પણ તેના પાકમાં ખાસ રૂચી રહી નહોતી. હજુ બે મહિના લસણના ભાવની આ સ્થિતિ જ રહેશે તેમ હાલમાં જણાય છે.તેમજ શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે.

લસણનું ઉત્પાદન ક્યારે થાય છે
લસણનું ઉત્પાદન વર્ષમાં બે વાર કરવામાં આવે છે, રવિ અને ખરીફ ઋતુમાં. ખરીફ ઋતુમાં જૂન-જુલાઈમાં તેની વાવણી થાય છે અને ઑક્ટોબર નવેમ્બરમાં લણણી અને રવિ ઋતુમાં, સપ્ટેમ્બર-નવેમ્બરમાં વાવણી થાય છે અને માર્ચમાં લણણી થઈને બજારમાં આવે.

આ વર્ષે ઉત્પાદન પણ ઘટવાની આશંકા છે. કેમકે, ગુજરાત ખેતી કચેરીના સત્તાવાર આંકડા સૂચવે છે કે, ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લસણના ઉત્પાદનનો સરેરાશ વિસ્તાર 21,111 હેક્ટર હતો. 2023-24ની રવિ સિઝનમાં તે ઘટીને 17,143 હેક્ટર થઈ ગયું છે. એટલે લસણનું ઉત્પાદન આ વર્ષે ઘટશે અને તેથી, આ વર્ષે લસણની બજારમાં તંગી રહેશે.