જયપુર હાઇવે પર ગેસ ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ: 7 લોકો જીવતા ભૂંજાયા, 35થી વધુ ઇજાગ્રસ્ત

Jaipur Highway Accident: રાજસ્થાનના જયપુરના ભાંકરોટામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ (Jaipur Highway Accident) થયો હતો જેમાં અનેક લોકો દાઝી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 5 લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે.

ફાયરબ્રિગેડના 22 વાહનો ઘટનાસ્થળે
આ ઘટનાની જાણકારી મળતાં જ લગભગ 22 જેટલાં ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઊભેલા 40થી વધુ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.

કેવી રીતે લાગી ભીષણ આગ?
આ વિસ્ફોટ થતાં જ વાહનોથી ભરેલા વેરહાઉસમાં પણ આગ લાગી હતી. એક સાથે ડઝનબંધ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. સીએનજી ટેન્કર અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ સીએનજી ટ્રકમાં એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા. ધડાધડ વિસ્ફોટથી નજીકના વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. ત્યારે એક બસમાં હાજર મુસાફરોએ નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગમાં એક ડઝનથી વધુ લોકો દાઝી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ફાયર ફાયટર, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
આ દુર્ઘટના એલપીજી અને સીએનજી ટ્રક વચ્ચે ટક્કર બાદ સર્જાઈ હોવાના પણ દાવા કરાયા છે. જેના બાદ સીએનજી ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. 40થી વધુ વાહનો બળીને રાખ થઇ ગયા હતા. આ દુર્ઘટના ડી ક્લોથોનની નજીક સવારે પાંચ વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનામાં ઘાયલ લોકોને હજુ પણ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. જ્યારે ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિકો પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

હોસ્પિટલમાં કેવી છે સ્થિતિ?
જયપુરમાં એસએમએસ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક મહેશ્વરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 4 મૃતદેહો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. લગભગ 25 લોકો ICUમાં દાખલ છે. હજુ ઘણાં લોકોને લાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. લગભગ 15 લોકો 80 ટકા દાઝી ગયા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી ટ્વિટ
મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે , ‘જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ હું એસએમએસ હોસ્પિટલમાં ગયો હતો અને તબીબોને તાત્કાલિક જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવાનો નિર્દેશ આપ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.