સુરતમાં રત્નકલાકારોની હડતાલ અને રેલી: મીની બજાર પહોંચતાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Surat Jewellers Strike: સુરતના રત્નકલાકારો આજે હડતાલ પર ઉતર્યા છે અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધી ‘રત્નકલાકાર એકતા રેલી’ કાઢી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં (Surat Jewellers Strike) છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. યોગ્ય કામ અને પગાર ન મળવાના કારણે તેમને ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આર્થિક ભીંસથી કંટાળીને અનેક રત્નકલાકારોએ આપઘાત જેવા અંતિમ પગલાં પણ ભર્યા છે.

કતારગામ દરવાજાથી શરૂ થયેલી એકતા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર સમક્ષ રાહત અને વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જો કે, તેમની માંગણીઓનો સ્વીકાર ન થતાં આજે રત્નકલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કતારગામ દરવાજાથી શરૂ થયેલી એકતા રેલીમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા છે, જેમાં દુબઈના કેટલાક વેપારીઓ પણ સામેલ થયા છે, જેઓ રત્નકલાકારોની પરિસ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે.

પગારમાં ઓછામાં ઓછો 30 ટકાનો વધારો કરવામાં આવે….
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રત્નકલાકારો પગાર વધારો અને ભાવ વધારા જેવી મુખ્ય માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રત્નકલાકારોની મુખ્ય માંગ છે કે તેમના પગારમાં ઓછામાં ઓછો 30 ટકાનો વધારો કરવામાં આવે, જેથી તેઓ મોંઘવારીના આ સમયમાં પોતાનું ગુજરાન ચલાવી શકે. આ ઉપરાંત, તેઓ રત્નદીપ યોજનાને તાત્કાલિક લાગુ કરવાની પણ માંગ કરી રહ્યા છે, જે તેમને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે.

કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની માંગ
રેલીમાં જોડાયેલા રત્નકલાકારો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની પણ માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ બોર્ડ દ્વારા તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે અને તેમને સામાજિક સુરક્ષા પણ મળી શકે છે. જો કે, સુરત પોલીસે આ એકતા રેલી માટે પરવાનગી આપી નથી. તેમ છતાં, મોટી સંખ્યામાં રત્નકલાકારો પોતાની માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. રેલીના માર્ગ પર સુરત પોલીસે ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, “અમે છેલ્લા ઘણા સમયથી સરકારને અમારી સમસ્યાઓ જણાવી રહ્યા છીએ, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. રત્નકલાકારોની હાલત ખૂબ જ ખરાબ છે અને હવે હડતાલ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.”રેલીમાં જોડાયેલા રત્નકલાકાર ઉમેશભાઈએ જણાવ્યું હતું કે, “મોંઘવારી આસમાને પહોંચી છે અને અમારો પગાર વધતો નથી. અમે કેવી રીતે અમારા પરિવારનું ભરણપોષણ કરીએ? સરકાર અમારી વાત સાંભળતી નથી, તેથી અમે આજે રસ્તા પર ઉતરવા માટે મજબૂર થયા છીએ.”