નાટકમાં પિશાચી કૃત્ય! મંચ પર રિયલમાં રાક્ષસ બની ગયો એક્ટર, જીવતા ભુંડનું પેટ ફાડી ખાધું…

Odisha Drama News: સ્ટેજ પર જીવંત ડુક્કરનું પેટ ફાડીને તેનું માંસ ખાવા બદલ પોલીસે એક અભિનેતાની ધરપકડ કરી છે. આ ચોંકાવનારો મામલો ઓડિશાના (Odisha Drama News) ગંજમ જિલ્લાનો છે. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલ 45 વર્ષીય અભિનેતા રામાયણમાં રાક્ષસનું પાત્ર ભજવી રહ્યો છે.

આ દરમિયાન તેણે સ્ટેજ પર જ જીવતા ડુક્કરનું પેટ ફાડી નાખ્યું અને તેનું માંસ ખાવાનું શરૂ કર્યું. ત્યારે આ ઘટનાથી રાજ્યવ્યાપી આક્રોશ ફેલાયો હતો અને સોમવારે વિધાનસભામાં તેની નિંદા કરવામાં આવી હતી.

વિધાનસભામાં આ ઘટનાની સખત નિંદા કરી
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે અભિનેતા બિમ્બધર ગૌડાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પ્રાણીઓ પર ક્રૂરતા અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તેમજ આ કાર્યક્રમ 24 નવેમ્બરે હિંજીલી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ થયો હતો. ત્યારે સત્તાધારી ભાજપના સભ્યો બાબુ સિંહ અને સનાતન બિજુલીએ વિધાનસભામાં આ ઘટનાની સખત નિંદા કરી હતી.

સોશિયલ મીડિયામાં વિડીયો જોયા બાદ લોકો નારાજ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, પ્રાણી અધિકાર કાર્યકરોએ પણ તેની નિંદા કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બરહામપુરના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (ડીએફઓ) સન્ની ખોખરે કહ્યું, અમે એવા લોકોની પણ શોધ કરી રહ્યા છીએ જેમણે થિયેટરમાં સાપ બતાવ્યા હતા.

તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જોકે તેમણે ધરપકડ કરાયેલા આયોજકનું નામ જાહેર કર્યું ન હતું. રાજ્ય સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કરેલી માર્ગદર્શિકામાં સાપના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો જોઈને લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ વ્યંગાત્મક રીતે લખ્યું કે કદાચ અભિનેતાએ વાસ્તવિક અભિનય કરવા માટે પ્રાણીને મારી નાખ્યું.