વિદ્યાર્થીઓની જીદ સામે ઝૂકી ગુજરાત સરકાર! GMERS મેડિકલ કોલેજની ફીમાં કરાયો ઘટાડો, જાણો કેટલી છે નવી ફી

GMERS: મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે GMERS સંચાલિત(GMERS) તબીબી કોલેજની ફીમાં ઘટડો કર્યો છે. સરકારે વિરોધના કારણે ઘટાડો કર્યો છે. સરકારી ક્વોટા 3.75 લાખ ફી રહેશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખની ફી રહેશે.

GMERS કોલેજની ફી માં ઘટાડો કર્યો
ડોક્ટર બનવા માટે મેડિકલના અભ્યાસને લઈને જીએમઇઆરએસ દ્વારા કરવામાં આવેલા ફીમાં તોતિંગ વધારાનો ભારે વિરોધ થઈ રહ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કરવામાં આવેલા ફી વધારાને રદ બાતદલ કરવાની માંગ ઉઠી હતી. એક તરફ વાલીઓ મેડિકલ અભ્યાસ માટે થયેલા ફી વધારાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે GMERS મેડિકલ કોલેજના ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં ગુજારતા સરકાર આ નિર્ણય લેવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે પોતાના ટ્વિટ માં જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.તદ્અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.

સરકારે કેટલી ફી ઘટાડી
પહેલા GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોમાં સરકારે મોટો ફી વધારો ઝીંકયો હતો. જેમાં MBBS ની સરકારી કોટાની રૂપિયા 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરી દીધી હતી અને મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દીધી હતી. જે બાદ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ નિર્ણયનો લોકોએ વિરોધ કર્યો હતો. જે બાદ આખરે હવે આ મામલે સરકાર ઝૂકી છે અને ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 1.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 5 લાખ ઘટાડ્યા છે.

શૈક્ષણિક વર્ષ 2024-25 થી ફી વધારો લાગુ થશે
સરકારી ક્વોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે. આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.

આ અગાઉ કરવામાં આવ્યો હતો વિરોધ
આ ફી વધારાના નિર્ણયના કારણે રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારાનો NSUI દ્વારા 12 જુલાઈ ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાયના નારા પણ લાગ્યા હતા. NSUIના વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના માતાપિતાએ પણ વિરોધ કર્યો હતો.