ગુજરાત(Gujarat): ગોંડલ(Gondal)ના રામજી મંદિર(Ramji Temple)ના ગાદીપતિ સંત હરિચરણદાસજી મહારાજ(Haricharandasji Maharaj) બ્રહ્મલીન થવાને કારણે તમામ ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. તેમના પાર્થિવ દેહનો આજે સવારે 8 વાગ્યાથી મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારપછી ગોરાઓ આશ્રમમાં લઈ જવામાં આવશે. આવતીકાલે સવારે ગોરા આશ્રમમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મહારાજના ભક્તોમાં ફરી વળ્યું શોકનું મોજું:
હરિચરણદાસજી મહારાજની ગોંડલ રામજી મંદિરમાં સારવાર ચાલી રહી હતી. રામજી મંદિરના તબીબો ખડેપગે તેમની સારવાર કરી રહ્યા હતા. બાપુની કથળતી તબિયતના સમાચારથી દેશ-વિદેશના તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને તેમના લાંબા આયુષ્ય માટે સતત પ્રાર્થના કરવામાં આવતી હતી.
હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી:
હાલ થોડા દિવસથી મહામંડલેશ્વર હરિચરણદાસજી બાપુની તબિયત ખુબ ગંભીર હતી. મળતી માહિતી અનુસાર, બાપુની સારવાર ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ કરી રહ્યા હતા. હરિચરણદાસજી મહારાજને શ્વાસ લેવામાં અને યુરીનમાં મુશ્કેલી હતી. તે અંગેની જ સારવાર ડોક્ટર દ્વારા કરવામાં આવી રહી હતી. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત ખરાબ હતી. થોડા દિવસ અગાઉ જ તેઓ નર્મદા કિનારે આવેલા ગોરા ખાતેના આશ્રમથી ગોંડલ આવ્યા હતા.
ઘણો ખરો સમય ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ ગોંડલ આવ્યા:
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘણા સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા પછી તેઓ 1954માં ગુરુદેવ ગોંડલ આવ્યા હતા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી હતી. ત્યાર પછી ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ કરવામાં આવ્યો અને ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડાઓ વટાવી ચૂકી છે. ગોરામાં આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશમાં અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલી રહી છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવાને સમગ્ર રાજ્ય સહીત બહારના રાજ્યમાં પણ પ્રસરાવી છે.
હરિચરણદાસ બાપુના દેવલોકથી ફરી વળ્યું શોકનું મોજુ:
જણાવી દઈએ કે, રઘુવંશી સમાજમાં રણછોડદાસ બાપુ બાદ હરિચરણદાસ બાપુનુ મહત્ત્વ ખૂબ જ વધારે છે, ફેબ્રુઆરી 2020માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જવાને કારણે તેમને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી જેને કારણે ત્યારે વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ચાર્ટર પ્લેન મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ કેવડિયા પાસે ગોરા આશ્રમમાં પણ બાપુની તબિયત ખરાબ થઇ હતી ત્યારે ગોંડલથી તબીબોનીટીમ દોડી ગઇ હતી. ત્યારબાદ સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા પછી તેઓ ગોંડલ રામજી મંદિર આવતા રહ્યા છે. હરિચરણદાસ બાપુના દેવલોક ગમનથી રઘુવંશી સમાજમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.