ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) આડે હવે 6 મહિના જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ(BJP)ની સાથે સાથે આપ અને કોંગ્રેસે(Congress) પણ તડામાર તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતમાં પહેલીવાર જોરદાર પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટી(AAP) પણ ઉભરી આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગામડે-ગામડે અને ઘરે-ઘરે જઈને દિલ્હી મોડેલ અંગેનો સંદેશો લોકો સુધી પહોચાડવામાં આવી રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો લોકોની સમસ્યાનું જેમ બને તેમ વહેલી તકે નિરાકરણ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પરિવર્તન યાત્રા દરમિયાન એક જનસભાને સંબોધન કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપને આપણે મત આપ્યા છે તેનું પરિણામ શું આવ્યું? સરકારી અનાજની દુકાને તમે લેવા જાવ એટલે આજ આવજો, કાલ આવજો, સોમવારે આવજો, મંગળવારે બપોર પછી આવજો. પરંતુ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એક યોજના બનાવી છે. જેમાં કોઈએ સરકારી અનાજ લેવા માટે અનાજની દુકાને જવાનું નહી પરંતુ જેને અનાજ, ખાંડ મળવા પાત્ર હોય તેઓને પેકિંગ કરીને ઘર સુધી આપી જાય કે, લ્યો સરકારે મોકલ્યું છે તમારું અનાજ એટલે કે દિલ્હી સરકાર દ્વારા ઘર સુધી અનાજની કીટ પહોચાડવામાં આવે છે.
આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં BJP અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા જ આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.
પરિવર્તન યાત્રાને પંદર દિવસ કરતા પણ વધુ સમય પૂર્ણ થઇ ગયો છે ત્યારે અંદાજે અલગ-અલગ ઝોનની વિધાનસભા બેઠકો ઉપર લોકો સાથેની મુલાકાત ઝડપથી આગળ વધી રહ્યો છે. આ કાર્યક્રમની સફળતાને જોતા આગામી 5 કે 6 જૂન દરમિયાન પરિવર્તન યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે હાજર રહે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
અરવિંદ કેજરીવાલ ગાંધીનગર અથવા મહેસાણા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં જનસભા માટેનું સ્થળ મળવું થોડું મુશ્કેલ જણાઈ રહ્યું છે તેથી મહેસાણામાં આ કાર્યક્રમ થવાની શક્યતા વધુ સેવાઈ રહી છે. જોકે આ બાબત અંગે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.