ખોડલધામમાં દર્શન કરીને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતના લોકો આ વખતે AAPને નવા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે’

રાજકોટ(Rajakot): ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે તેમને નેશનલ કમિશન ફોર વુમન(NCW) તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ ઇટાલિયાએ નોટિસની રાહ જોયા…

રાજકોટ(Rajakot): ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે તેમને નેશનલ કમિશન ફોર વુમન(NCW) તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ ઇટાલિયાએ નોટિસની રાહ જોયા વગર દિલ્હી ખાતે કમિશનની ઓફિસે હાજર થયા હતા અને ત્યાં એમની સાથે ગેરવર્તણુક કરવામાં આવી હતી. ત્યારબાદ કમિશનની ઓફિસથી જ તેમને હિરાસતમાં લેવામાં આવ્યા હતા. પરંતુ ગોપાલ ઇટાલિયાનો કોઈ વાંક ગુનો ન હોવાના કારણે આખરે તેમને સાંજે છોડી મૂકવામાં આવ્યા હતા.

ત્યારબાદ સાંજે ગોપાલ ઇટાલિયાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. આજે 14 ઓક્ટોબરના રોજ ગોપાલ ઇટાલિયા ગુજરાત પરત ફર્યા હતા. તેઓ દિલ્હીથી સીધા રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા. ગોપાલ ઇટાલિયાનું રાજકોટ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના સેંકડો કાર્યકર્તાઓ દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયા પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે કાગવડ ખાતે ખોડલધામ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.

ખોડલધામમાં માતાજીના દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતને દેશની સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. દર્શન કર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ગુજરાતમાં ભાજપનાં અત્યાચારથી, અન્યાયથી નારાજ થયેલો પાટીદાર સમાજ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યો છે. આ જોઈને બોખલાયેલા ભાજપવાળાઓ છેલ્લા ઘણા દિવસથી રોજ નવા નાટકો કરી રહી છે.

આ નાટકોમાં 2થી 10 વર્ષ જુનાં વીડિયો શોધી શોધીને લઈ આવે છે અને રોજ અલગ અલગ વિડીયો લઇને આવે છે. ગુજરાતમાં જનતા જ્યારે એમ પૂછે છે કે, 27 વર્ષનો હિસાબ બતાવો તો ભાજપવાળા કહે છે કે, હિસાબ તો બતાવી શકાય એમ નથી તમે ગોપાલનો વીડિયો જોઇલો અને વોટ આપો. NCWએ એક નોટિસ જે હજુ સુધી મને મળી નથી પરંતુ મેં ટ્વિટરની અંદર એ નોટીસ જોઇ હતી. અમે મહિલાઓને સન્માન કરીએ છીએ,

અમે કાયદામાં માનીએ છીએ એટલા માટે અમારી લિગલ ટીમનાં માર્ગદર્શનથી સામે ચાલીને હું NCW માં હાજર થવા ગયો. ત્યાં NCW નાં જે ચેર પર્સન મેડમ હતા. એમણે કોઇ પણ વાત કર્યા વગર મારી સાથે ધમકી ભરી ભાષામાં, ગાળા ગાળી કરીને અને સીધા પોલીસને બોલાવીને મને પોલીસ સ્ટેશનમાં મોકલી દીધો. આ ઘટનાક્રમ બતાવે છે કે ગુજરાતમાં જે રીતે પાટીદાર સમાજમાંથી આવતો એક સાધારણ પરિવારનો યુવાન પાર્ટીની અંદર સીધો કેવી રીતે પ્રદેશ અધ્યક્ષ બની ગયો?

તે બતાવે છે કે ભાજપને કેટલી નફરત થઇ રહી છે, ઈર્ષા થઈ રહી છે. એમણે જોયું કે ભૂતકાળમાં કેટલાય પાટીદાર યુવાનોને ગોળી મારવામાં આવી, એમાંથી જે બચી ગયા એમનાં પર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવ્યા. એમાંથી જે બચી ગયા એમને ભાજપમાં જોડી દેવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયા કે પાટીદારો શાં માટે રાજનીતિમાં સક્રિય છે? એ વાતને લઈ ભાજપને સતત નફરત થઈ રહી છે. ચીડ ચડી રહી છે. એટલા માટે એક આખું રાષ્ટ્રીય ષડયંત્ર બનાવ્યું છે. ગોપાલ ઇટાલિયાના નામની માળા ફેરવવા સિવાય આજે કેન્દ્રનાં મંત્રીઓ પાસે પણ કોઇ કામ ધંધો નથી.

આજે છ કરોડ જનતા માટે શું કર્યું અને હવે શું કરવા માંગે છે, એ બતાવવાનાં બદલે દસ-સાત વર્ષો પહેલાંનાં વીડિયોમાં કોણ શું બોલ્યું હતું એની ચર્ચાઓ થઇ રહી છે. વાત મારા કે કોઇનાં વિડીયો વિશેની હોય તો ભૂતકાળમાં કોઈએ બોલવામાં કશું બાકી રાખ્યું નથી. ભાજપવાળા પણ કઈ ઓછું નથી બોલ્યા. તત્કાલીન પ્રધાનમંત્રી વિશે, તત્કાલીન કોંગ્રેસનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે દૂનિયાભરના અપશબ્દો મુખ્યમંત્રી કક્ષાએ બોલાયા છે. આજે મારા વિશે જાણે પુરાતત્વ વિભાગે કામ આપ્યું હોય એમ ભાજપવાળા વિડીયો શોધી શોધીને બહાર નિકાળી રહ્યા છે.

આ દર્શાવે છે કે ગોપાલ ઇટાલિયાથી, પાટીદાર સમાજથી એમને નફરત છે. એટલી નફરત છે કે આજનું છોડીને દસ વર્ષ પહેલાંનાં વિડીયો શોધી રહ્યા છે. આ બધું ગુજરાતની જનતા જોઈ રહ્યી છે. ગુજરાતનાં લોકો પોતાનાં દિલમાં આમ આદમી પાર્ટીને જગ્યા આપી રહ્યા છે. એટલા માટે ભાજપનાં આ ગતકડા હવે ચાલવાનાં નથી. ગુજરાતી જનતા તમાશો જોઈ રહી છે. ગુજરાતના લોકો આ વખતે આમ આદમી પાર્ટીને નવા વિકલ્પ તરીકે પસંદ કરીને દિલમાં જગ્યા આપી ચૂક્યા છે.

આ બધા ગતકડા એ લોકો જે કરી રહ્યા છે તે ચાલવાના નથી. એક જ રણનીતિ છે કંસની ઓલાદો સામે લડવાનું છે એટલે શક્તિની ખૂબ જરૂર પડશે. માં ખોડીયાર શક્તિનું કેન્દ્ર છે એમની પાસે આશીર્વાદ માગીશું, શક્તિ માગીશું કે આખા ગુજરાતમાં ભાજપની જે કંસની ઓલાદો છે એની સામે લડવાની અમને શક્તિ આપે અને અમે લડ્યા જ કરીએ. ભલે એ અમારું ખરાબ કરે પણ અમે ગુજરાતની જનતાના ભવિષ્યના નિર્માણનું કામ કરતા રહીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *