આ યોજનાથી દર વર્ષે તમને મળશે 6000 રૂપિયા, જલ્દી જાણો કેવી રીતે લેશો યોજનાનો લાભ

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોના પરિણામે સમગ્ર ભારતમાં પહેલી ડિસેમ્બર 2018 થી ખેડુતોની આવક વધારવા તેઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(Pradhan Mantri Kisan Samman Nidhi Yojana)ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે.

સુરત જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન 13 હપ્તામાં 135391 ખેડુતોના ખાતામાં 297.21 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે. મહાનગરપાલિકા સહિત જિલ્લાના તાલુકાઓમાં લાભ લેનાર ખેડુતોની આંકડાકીય વિગતો જોઈએ તો સૌથી વધુ લાભ ઓલપાડ તાલુકાના ખેડુતો લઈ રહ્યા છે.

ઓલપાડના 27514 ખેડુતોના બેંક ખાતામાં 6130.98 લાખ સીધા જમા કરવામાં આવ્યા છે. અન્ય તાલુકાઓની વિગતો જોઈએ તો માંગરોળમાં 16637 ખેડુતોને 3558.48 લાખ, મહુવા તાલુકામાં 19006 ખેડુતોને રૂપિયા 4176.56 લાખ, બારડોલી તાલુકામાં 11471 ખેડુતોને 2589.68 લાખ, કામરેજમાં 10286 ખેડુતોને 2288.18 લાખ, માંડવીમાં 22194 ખેડુતોના ખાતામાં રૂપિયા 1967.14 લાખ, ઉમરપાડા તાલુકામાં 13160 ખેડુતોને રૂપિયા 2809.74, પલસાણા તાલુકામાં 5288 ખેડુતોને 1186.32 લાખ, ચોર્યાસી તાલુકાના 7802 ખેડુતોના ખાતામાં 1690.38 લાખ જમા કરવામાં આવ્યા છે.

જયારે શહેરી વિસ્તારમાં આવતા ઉધના તાલુકાના 16 ખેડુતોના ખાતામાં 2.38 લાખ, મજુરાના ૩૨૯ ખેડુતોના ખાતામાં 63.52 લાખ, પુણાના 19 ખેડુતોના ખાતામાં 2.04 લાખ, અડાજણના 1273 ખેડુતોને 246.80 લાખ જમા કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા ગામના ખેડુત પ્રકાશભાઈ પટેલ જણાવે છે કે, મને તથા મારા માતૃ મધુબેન પટેલને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે. વર્ષ દહાડે બન્નેના રૂા.૧૨,૦૦૦ ખાતામાં આવતા હોવાથી બિયારણ, નિદામણ તથા અન્ય ખર્ચમાં ધણી રાહત મળી રહેતી હોવાનું પ્રકાશભાઈ જણાવે છે.

સહાય અરજી માટે જરૂરી વિગતો:
ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.

જમીન ધારકતા માટે ધોરણો :
• જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.
• જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.
• તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,
• આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.

સહાય કોને મળવાપાત્ર નથી:
યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.
(અ) સંસ્થાકીય જમીનધારકો
(બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.

વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ

વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી

સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી

બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)

છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.

ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?
-આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કોઇ પણ ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કેન્દ્ર ઉપરથી કરાવી શકે છે.
-અરજદાર https://www.pmkisan.gov.in પોર્ટલ તેમજ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.
-અરજીની પ્રિન્ટ લઈ સાથે આધાર કાર્ડ, જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં -૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ ( ખેડૂત તરીકે દાખલ થયાનું હક્ક પત્રક) ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી પાસે જમા કરાવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *