ગોંડલ ઉમવાળા રોડ ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત; કારમાં સવાર ત્રણ મિત્રોમાંથી એકનું મોત

Gondal Accident: ગોંડલ ઉમવાળા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.ઉમવાળા રોડ પર ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.તેમજ આ બ્રેઝા કારમાં ત્રણ યુવકો સવાર હતા.ત્યારે આ અકસ્માતના(Gondal Accident) પગલે એક યુવકનું મોત થયું છે.જયારે અન્ય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવવમાં આવ્યા છે.તેમજ આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
આ અંગે મળતી માહિતી મુજબ, ગોંડલ ઉમવાળા રોડ પર ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા કારમાં 4 મિત્રો હાઇવે પરની હોટલમાં નાસ્તો કરી એક મિત્રને ઉમવાળા ગામ મૂકીને પરત ફરતા હતા. ત્યારે ઉમવાળા રોડ પર રમાનાથ રેસિડેન્સી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આશરે 200 ફૂટ જેટલી દૂર સુધી કાર ફંગોળાઈ હતી અને ફોલ્ડિંગ દીવાલ નજીક પરકાઈ હતી.ત્યારે આ અકસ્માતના પગલે ;લોકો દોડી આવ્યા હતા. બાદમાં આ અંગે પોલીસને જાણ કરી હતી.

ગંભીર રીતે ઘાયલ યુવકને રાજકોટ સારવાર અર્થે ખસેડ્યો
આ અકસ્માતમાં કારચાલક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે.તેમજ કારના પાછળના દરવાજામાંથી ત્રણ યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર ત્રણ મિત્રોમાંથી ગુંદાળા રોડ લક્ષ્મણ નગરમાં રહેતા કેવલ સુરેશભાઈ સોજીત્રા (ઉં.વ. 24)નું મોત નીપજ્યું હતું.

જ્યારે કારચાલક વાસવભાઈ સંજયભાઈ પીપળીયા (ઉં.વ. 22)ને ગંભીર ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. અન્ય એક યુવકનો આબાદ બચાવ થવા પામ્યો છે.

એક યુવકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ
આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે યુવકનું મોત થતા તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.મૃતક યુવક કેવલ સોજીત્રાની સગાઈ અને લગ્નની તારીખ નક્કી થઈ હતી. મૃતક યુવક સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. પરિવારમાં એકના એક દીકરાનું મોત નીપજતાં માતમ છવાયો હતો.