નડાબેટમાં યોગદીનની ભવ્ય ઉજવણી: બે દેશોની સરહદને જોડતા પોઈન્ટ ઝીરો પર CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ

International Yoga Day 2024: ઇતિહાસમાં પ્રથમવાર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના ઝીરો પોઇન્ટ, નડાબેટ, બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની(International Yoga Day 2024) ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો ઉજવણીમાં સહભાગી બન્યા
રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતાં યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમા યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સવા કરોડ કરતાં વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે, એ આનંદની વાત છે. છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે 51 યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીની શુભકામના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ દિવસની સવારે સોશિયલ મીડિયામાં લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના આપ્યો છે. જેમા તેમણે લખ્યુ છે કે, દિવસની શરૂઆત યોગથી થાય એનાથી વધુ સુંદર, શાંતિદાયક અને સ્વાસ્થ્યપ્રદ બીજું શું હોય? આવો, આપણે સૌ યોગને રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બનાવીએ. જીવનને યોગમય બનાવીએ. યોગ થકી ઉત્તમ મનુષ્ય, ઉત્તમ સમાજ, ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામના.

‘સ્વયં અને સમાજ માટે યોગ’
દર વર્ષે 21મી જૂને વ્યાપક લોક ભાગીદારીથી વિવિધ વિષયવસ્તુ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનુસાર, 2024નો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ વિષયવસ્તુ સાથે યોજાઇ રહ્યો છે.

આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે
મુખ્યમંત્રીએ યોગના માહાત્મ્ય વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે યોગ આરોગ્ય સુખાકારીનું સબળ માધ્યમ બન્યું છે. તણાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહિ, આત્મસંયમ છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગ સર્વોત્તમ છે. કોરોના કાળમાં યોગ ઘર ઘરમાં સ્વીકૃતિ પામ્યો હતો, એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને પગલે યુનો દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આજે વિશ્વના ખૂણે ખૂણે યોગ પહોંચ્યો છે. યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ એવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

અધ્યક્ષએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષએ યોગ દિવસની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, આજે આખી દુનિયા યોગના મહત્ત્વને સમજવા લાગી છે, જ્યાં માનવતા છે ત્યાં યોગ છે. શરીરના સુખ માટે નહીં, પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે. મનની શાંતિ, ચિત્તની શુદ્ધિ અને બુદ્ધિના વિકાસ સહિત આત્માના શાશ્વત સુખ માટે યોગ જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ લોકો રહ્યા હતા હાજર
રાજ્યકક્ષાની ઉજવણીમાં યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, BSF આઈ.જી. અભિષેક પાઠક, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ કેશાજી ચૌહાણ, પ્રવીણભાઈ માળી, અનિકેત ઠાકર, લવિંગજી સોલંકી, બનાસકાંઠાના કલેકટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સુઇગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી સહિત અધિકારી ગણ, કર્મચારી ગણ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ, યોગાભ્યાસુઓ સહિત 3000 જેટલા લોકો સહભાગી બન્યા હતા.