SGCCI Global Village Expo 2025: સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 25,26,અને 27 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10:00થી સાંજે 7:00 વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત (SGCCI Global Village Expo 2025) સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’એકઝીબીશન 2025નું સંયુકતપણે આયોજન કરવામાં આવ્યું છે.
શનિવાર, તા. 25 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10:30 કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ઉદ્ઘાટક તરીકે લોકસભાના દંડક અને વલસાડના સંસદ સભ્ય ધવલભાઇ પટેલ હજાર રહ્યા હતા અને તેમણે ફૂડ એન્ડ બેવરેજીસ અને SGCCI ગ્લોબલ વિલેજ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરી બંને પ્રદર્શનને જાહેર જનતા માટે ખૂલ્લા મૂકયા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ફૂડ પ્રોસેસિંગ એન્ડ બેવરેજીસ ઉદ્યોગ વિશાળ અને ઝડપી વૃદ્ધિ કરી રહયો છે. આ ઉદ્યોગમાં આગામી કેટલાક વર્ષોમાં ૧૦ થી ૧ર ટકા જેટલી વાર્ષિક વૃદ્ધિ જોવા મળશે. ભારત ખોરાક ઉત્પાદનોના મોટા નિકાસકર્તાઓમાંનો એક છે. મુંબઇ, દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ એ ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રી માટે મુખ્ય હબ કહેવાય છે, પરંતુ સુરત જેવું ફૂડ આખા વિશ્વમાં અન્ય કોઇ સ્થળે મળી શકે નહીં, જે બાબત ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ કહેવતને સાર્થક કરે છે.
ભારત દેશ હવે ‘વિકસિત ભારત @2047’ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહયો છે ત્યારે SGCCI દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. આ એકઝીબીશનમાં 180 જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે, જેમાં એકજ સ્થળે શહેરીજનોને સેકડો ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે. આ એકઝીબીશનમાં ફૂડ બનાવવા માટેની મશીનરી, ટેકનોલોજી અને ઇકવીપમેન્ટ્સનું પણ પ્રદર્શન કરવામાં આવી રહયું છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવ્યા છે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે. આ એકઝીબીશનની અમેરિકા, ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત લેશે. 14 દેશોમાંથી 100થી વધુ બિઝનેસ પ્રતિનિધિઓ આવશે. આ એકઝીબીશન દરમ્યાન પોઇન્ટ ટુ પોઇન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઇન્ટ સાથે આશરે 12થી વધુ એમઓયુ થવાના છે.
લોકસભાના દંડક અને વલસાડના સંસદ સભ્ય ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત થકી જુદા જુદા દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતની ધરતી પર લઇ આવ્યા હતા ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે આજે સુરતની ધરતી પર 14 દેશોના બિઝનેસ ડેલીગેશન્સને એકત્રિત કર્યા છે. વડાપ્રધાનએ કો–ઓપરેશન અને કોલાબોરેશનથી જુદા જુદા દેશો સાથે બધા જ સેકટર માટે કામ કર્યું હતું. અત્યારે ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહયું છે ત્યારે વર્ષ 2047માં જ્યારે ભારતને સ્વતંત્ર થવાને 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત એ વિશ્વ ગુરુ અને આખા વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા પણ બની જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત એકઝીબીશનોમાં ઉત્પાદકો, રોકાણકારો, સર્વિસ પ્રોવાઇડર્સ અને ગ્રાહકો બધા જ એક છત નીચે આવ્યા છે, આથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારોને બિઝનેસ ડેવલપમેન્ટ માટે પ્લેટફોર્મ મળી રહેશે. જેના થકી તેઓ પોતાના બિઝનેસને વિકસાવી એક્ષ્પોર્ટ વધારી શકશે. આવી રીતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વિવિધ એકઝીબીશનો ભારતને વિકસિત રાષ્ટ્ર અને વિશ્વની આર્થિક મહાસત્તા બનાવવાની દિશામાં મહત્વનું યોગદાન આપશે. વધુમાં, તેમણે ચેમ્બર ઓફ કોમર્સને એક સાથે ત્રણ એકઝીબીશનના આયોજન માટે અભિનંદન આપી આવતા વર્ષે એકઝીબીશનોમાં 200 દેશોના બિઝનેસ ડેલીગેશન્સને સુરત લાવવા શુભેચ્છા પાઠવી હતી.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં ત્રણ દિવસ દરમ્યાન દર કલાકે લકી ડ્રોનુંં આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતાઓને ફૂડ પ્રોડકટની કીટ ગીફટમાં આપવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ એકઝીબીશનોમાં પધારેલા 14 દેશોના પ્રતિનિધીઓ તેમજ બિઝનેસ ડેલીગેશન્સને આવકારી ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી નિરવ માંડલેવાલાએ SGCCI ગ્લોબલ વિલેજ એક્ષ્પો વિષે માહિતી આપી હતી. ચેમ્બરના તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, ખજાનચી મૃણાલ શુકલ, KREMAG એસોસીએશનના પ્રમુખ રવિન્દ્રનાથ નિલુર, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોના ચેરમેન કે.બી. પિપલીયા, વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, ગૃપ ચેરમેનો, મેનેજિંગ કમિટીના સભ્યો, ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના સભ્ય જિલ્પા શેઠે સમારોહનું સંચાલન કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App