BAPS Hindu Mandir in AbuDhabi: સંયુક્ત અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર થયું છે, BAPS સંસ્થાનું મંદિર UAEનું(BAPS Hindu Mandir in AbuDhabi) સૌથી મોટું મંદિર હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે.આ મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડા પ્રધાન ઉપસ્થિત રહેશે.ત્યારે આજે રોજ એટલે કે 5 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્દઘાટન પ્રસંગે વૈશ્વિક હિંદુ સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું.
અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર
BAPS હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પત્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને UAE વચ્ચેની સુદ્રઢ મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે.
મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી
UAE સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યાર બાદ જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, વધુ 13.5 એકર જમીન ફાળવી – કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી હતી.
મહંત સ્વામી મહારાજનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
એરપોર્ટ પર આગમન વખતે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું યુએઈના સહિષ્ણુતા મંત્રી, મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખ નહ્યાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતાં જણાવ્યું, “યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ દેશ પાવન થયો છે. તમારી શુભકામનાઓથી અમને સ્પર્શી ગઈ છે. અમને તમારા આશીર્વાદ અનુભવાય છે.“ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓને જણાવ્યું, “તમારો પ્રેમ અને આદર હૃદયસ્પર્શી છે. UAEના નેતાઓ મહાન અને વિશાળ હ્રદયના છે.”
‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે સ્વાગત
‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ‘અલ- અય્યાલા’ ની પારંપરિક અરેબિક સાંસ્કૃતિક શૈલીમાં નર્તકો, ડ્રમવાદકો અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારની રજૂઆત સામાન્ય રીતે રાષ્ટ્રીય તહેવારો સમયે અથવા અન્ય દેશોના વડાઓના સ્વાગત નિમિત્તે આરક્ષિત રખાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ) સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સેવા સંસ્થા છે; તેના આધ્યાત્મિક ગુરુ છે. તેમની ભક્તિ, નમ્રતા અને સેવાના ગુણો દ્વારા વિશ્વના લાખો લોકોને તેઓ ઉચ્ચ જીવન માટે પ્રેરી રહ્યા છે.
UAE અને ભારતના સબંધો મજબૂત
આ પ્રતિષ્ઠિત મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ – એટલે કે ‘સંવાદિતાનો ઉત્સવ’ ઉજવવામાં આવશે, જે અંતર્ગત અલગ અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોમાં શ્રદ્ધા, સેવા અને સંવાદિતાના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિર પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલાં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું,
“અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે એક આધ્યાત્મિક દ્વીપ તરીકે ઊભરી ઉઠ્યું છે, જે ભૂતકાળના સમૃધ્ધ વારસાની ઉજવણી કરે છે, અને ભવિષ્યનું દિશા-દર્શન કરે છે. આ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતા તેમજ UAE અને ભારત બંને દેશોના તેમજ BAPS સંસ્થાના નેતૃત્વની ઉદારતા, પ્રામાણિકતા અને મિત્રતાનું સમયાતીત પ્રમાણપત્ર છે.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube