કૂતરાનો આતંક યથાવત: રખડતાં શ્વાનોએ 4 વર્ષની બાળકીને ઝાડીમાં ખેંચી જઈ બચકા ભરતા નીપજ્યું મોત

Terror of the Dog: સમગ્ર ગુજરાતમાં રખડતા સ્વાનનો આતંક યથાવત જ જોવા મળી રહ્યો છે. જેનો ભોગ વધુ એક વાર સુરતની ચાર વર્ષની બાળકી બની છે. શહેરના ભેસ્તાનમાં કલર ટેક્ષ કંપનીની નજીકમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી. આ દરમિયાન રખડતા કુતરાએ બાળકીને દબોચી લઈને તેણીને ઢસડીને ઝાડી-જાંખડામાં લઈ જઈ ફાડી(Terror of the Dog) ખાધી હતી. પરિવારની એક કલાકની શોધખોળ બાદ બાળકી બેભાન હાલતમાં મળતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તેણીનું ગળાના ભાગે વધુ પડતી ઈજા થતા તબીબે મોત થયાનું કહ્યુ હતુ.

સુરમિલા 4 વર્ષની હતી
શહેરમાં કુતરાઓનો આંતક યથાવત હોય તેવું લાગી રહ્યુ છે. શહેરમાં વધુ એક બાળકીનો ભોગ કૂતરાઓ દ્વારા લેવાયો છે. મૂળ મધ્યપ્રદેશના બેકલદા ગામના વતની અને હાલ ભેસ્તાન વિસ્તારમાં આવેલા કલરટેક્ષ કંપનીની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા કાળુભાઇ અરડ ડાઈંગ મિલમાં મજૂરી કામ કરીને પત્ની સહિત ત્રણ પુત્ર અને એક પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા છે. તેમની ચાર વર્ષિય પુત્રી સુરમિલા પાંચ ફેબ્રુઆરીના સાંજના સમયે ઘર-આંગણે રમી રહી હતી. આ દરમિયાન રખડતા કુતરાએ બાળકીને દબોચી લઈને તેણીને ઢસડીને ઝાડી-જાંખડામાં લઈ જઈ બાળકી સુરમિલાનેને ગળાના ભાગ સહિત સંપૂર્ણ શરીરે બચકાં ભર્યા હતા. માસૂમ દીકરી આ ઘા સહન ન કરી શકતા તે બેભાન થઈ ગઈ હતી.

ભાઈ-બહેન ઘરની બહાર રમતાં હતા
કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈ જતા જ્યારે સુરમિલા અને બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતાં હતાં. રાબેતા મુજબ ગતરોજ પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા.

ફરજ પરના તબીબે મૃત જાહેર કરી
સુરમિલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે, હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ ન હતી. જેથી બજરંગીએ કહ્યું હતું કે, સુરમિલા ત્યાં ઝાડીમાં પડેલી છે. જેથી હું ત્યાં જઈને જોયું તો સુરમિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મેં કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા
તો બીજી તરફ ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રીનાથ નગરમાં 6 વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ પરિવાર સાથે રહે છે. પિતા મજૂરીકામ કરે છે. ગતરોજ પૃથ્વીરાજ ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક બે શ્વાન દોડી આવ્યા હતા. જે પૈકી એકે પૃથ્વીરાજને હાથ સહિતના શરીરે બચકા ભરી લીધા હતા. જેથી માતા દોડી ગઈ હતી અને દીકરાને બચાવી લીધો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.