ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢમાં એવી સ્થતિ સર્જાઈ કે, જાણીને તમને પણ નવાઈ લાગશે

પાવાગઢ ડુંગર પર જ્યાં ભક્તોના મુખે મહાકાળી માતાના જયકારની ગુંજ સાંભળવા મળતી, ત્યાં આ વખતે સુનકાર છવાઈ ગયો છે. દેશભરમાં કોરોના મહામારીને પગલે ૫૧ શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાનું સ્થાનક આસો નવરાત્રિમાં બંધ રાખવામાં આવ્યું છે. ઇતિહાસમાં પહેલીવાર આસો નવરાત્રિમાં પાવાગઢ મંદિર બંધ રહ્યું છે. દર વર્ષે આસો નવરાત્રિમાં દર્શનનું કીડિયારું ઊભરાતું, આસો નવરાત્રિ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી ૧૦ લાખ જેટલા ભક્તો માતાનાં દર્શન કરીને ધન્યતા અનુભવતા, પણ આ વર્ષે માતાનું સ્થાનક સૂમસામ ભાસી રહ્યું છે. પહેલીવાર આસો નવરાત્રિમાં માતાનાં દર્શન માટે ભક્તો મંદિરમાં જઇ શક્યા નથી, જેને કારણે રોપ-વે અને વેપાર-ધંધા બંધ થઇ ગયા છે, જેથી ૪૦૦ થી વધુ લોકોની રોજીરોટીને પણ અસર પહોંચી છે.

પાવાગઢ મંદિર તો આ વર્ષે બંધ છે, પરંતુ માતાનાં વર્ચ્યુઅલ દર્શન માટે પાવાગઢની તળેટી અને માંચી ખાતે ૨ LED સ્ક્રીન મૂકવામાં આવી છે, જેથી માતાનાં વર્ચ્યુઅલ દર્શન માટે રોજ ૮ થી ૧૦ હજાર જેટલા ભક્તો દર્શન માટે પહોંચી જાય છે. જોકે પાવાગઢ ડુંગર અને માંચી ખાતે ખાનગી વાહનો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું કલેક્ટરે બહાર પાડ્યું હોવાને કારણે વાહનોને પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે જ રોકી દેવામાં આવે છે, અને એસટી વિભાગ દ્વારા મૂકવામાં આવેલી ૨૦ જેટલી બસોમાં બેસીને શ્રદ્ધાળુઓ માંચી સુધી પહોંચે છે.

ત્યાં પહોંચ્યા પછી પણ સેનિટાઇઝરથી હાથ ધોવા ફરજિયાત છે, અને સ્ક્રીનિંગ કર્યાં બાદ જ માતાનાં વર્ચ્યુઅલ દર્શન માટે તૈયાર કરાયેલા ડોમમાં પ્રવેશ મળે છે. આ પંડાલમાં પણ શ્રદ્ધાળુઓ ૬ ફૂટના અંતરે ઊભા રહે એ માટે કુંડાળા તૈયાર કરવામાં આવ્યા છે.

જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને LED સ્ક્રીનમાં ભક્તો માટે દર્શન કરીને તરત જ નીકળી જવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી ડોમમાં ભીડ એકત્રિત ન થાય.

આ ઉપરાંત મંદિર ટ્રસ્ટની વેબસાઇટ pawagadhtemple.in  પર જઇને પણ ભક્તો માતાનાં લાઇવ દર્શન કરી શકે છે.

જોકે માંચીથી આગળ જઇએ તો ત્યાં ચકલું પણ ફરકતું જોવા મળતું નથી. રોપ-વે બંધ છે. પાવાગઢ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી ડુંગરનાં પગથિયાં સૂમસામ જોવા મળી રહ્યા છે. જે પગથિયાં પર આસો નવરાત્રિમાં લાખો લોકોની ભીડ જોવા મળતી એ અત્યારે ખાલીખમ છે. જે ડુંગરના જે રસ્તાઓ ભક્તોના મુખે માતાના જયકારની ગુંજ સાંભળવા મળતી હતી ત્યાં સોય પડે તોપણ અવાજ સંભળાય તેવો સૂનકાર છે.

હવે આસો નવરાત્રિમાં પણ પાવાગઢ મંદિર બંધ રહેતાં ૪૦૦ થી વધુ વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. વેપારીઓ ચૈત્રી નવરાત્રિમાં કમાઇને ચોમાસામાં ઘેરબેઠાં પણ ગુજરાન ચલાવી શકતા હતા. જોકે આ વર્ષે ચૈત્રી નવરાત્રિ બાદ આસો નવરાત્રિમાં પણ તેમના વેપાર-ધંધા બંધ થઇ જતાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે અને કરોડો રૂપિયાનો ધંધો ઠપ થઇ ગયો છે.

પાવાગઢ ડુંગર પર નાળિયેર-પ્રસાદ, હોટલ અને ચા-નાસ્તા વેપાર ઠપ થઇ ગયાં છે. તેમનો નાળિયેર સહિતનો લાખો રૂપિયાનો સામાન પણ વેચાયા વિના જ પડી રહ્યો છે.

સ્થાનિક વેપારીઓ કહે છે, “ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં મંદિર બંધ રહેતાં અમને મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે અમે માત્ર અમારો ફાયદો જોઇએ એ સારું નથી. પાવાગઢ મંદિર બંધ રહેતાં સંક્રમણ ફેલાતું અટકશે અને અમારા પરિવારના સભ્યોની પણ અમને ચિંતા છે. જેથી અમે પણ મંદિર બંધ રહે તેમ ઇચ્છતા હતા.”

આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિર બંધ હોવાથી ૨ ડીવાયએસપી, ૭ પીઆઇ, ૪૦ પીએસઆઇ સહિત ૭૦૦ જેટલા પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે, જે વર્ચ્યુઅલ દર્શન માટે આવતા ભક્તોની ભીડ ન થાય તેના પર નજર રાખે છે. વડા તળાવ પાસે ૪ થી ૫ જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા SP લીના પાટીલે જણાવ્યું હતું કે, પંચમહાલ અને દાહોદ પોલીસને પાવાગઢ મંદિર ખાતે તહેનાત કરવામાં આવી છે. અમે દર્શન કરવા માટે આવતા ભક્તોની સુરક્ષા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની કામગીરી સારી રીતે નિભાવીશુ.

પાવાગઢના ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના મંદિરના દ્વાર રોજ સવારે સવારે ૫ વાગ્યે ખૂલી જાય છે અને સૌથી પહેલા શણગાર થાય છે, ત્યાર બાદ આરતી-પૂજા થાય છે. બપોરે થાળ ધરાવવામાં આવે છે અને સાંજે આરતી-પૂજા કર્યાં બાદ મંદિરનાં દ્વાર બંધ કરવામાં આવે છે.

મધ્યપ્રદેશથી મહાકાળી માતાનાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુ ઇનેશ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૭ વર્ષથી અમે માતાનાં દર્શન માટે સાઇકલ લઇને આવીએ છીએ. અમને ખબર હતી કે મંદિર બંધ છે, પરંતુ અમે દર વર્ષે આવવાનો નિયમ તોડવા માગતા નહોતા, જેથી આવ્યા છીએ. જોકે આ વર્ષે પહેલીવાર માતાનાં દર્શન માટે ડુંગર પર જઇ શક્યા નથી. જોકે વર્ચ્યુઅલ દર્શન કર્યાં છે.

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, આજે કોરોનાની મહામારીને લઇને દેશભરમાંથી યાત્રાળુઓ આવે છે, ત્યારે કોરોનાના સંક્રમણ ન ફેલાય એ માટે ભક્તોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇને નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે માતાજીનાં વર્ચ્યુઅલ દર્શનની વ્યવસ્થા કરી છે. હજારો ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લીધો છે. પંચમહાલ જિલ્લા પ્રશાસન, પોલીસ અને મંદિર ટ્રસ્ટ ભક્તોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *