GT vs MI IPL 2025: MIની સતત બીજી હાર, GTનો 36 રને વિજય

GT vs MI IPL 2025: IPL 2025ની 9મી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં (GT vs MI IPL 2025) ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 196 રન બનાવ્યા હતા. 197 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં માત્ર 6 વિકેટે (160/6) જ બનાવી શકી અને 36 રનથી મેચ હારી ગઈ. ટૂર્નામેન્ટમાં MIની આ સતત બીજી હાર છે, જ્યારે GTની પ્રથમ જીત છે.

ગુજરાતે મુંબઈને 36 રનથી હરાવ્યું
ગુજરાત ટાઇટન્સ દ્વારા જીતવા માટે આપવામાં આવેલા 197 રનના લક્ષ્યનો પીછો કરવા માટે, રોહિત શર્મા અને રેયાન રિકલ્ટન મુંબઈ માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. રોહિત (8) પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી સિરાજે પણ રિકલ્ટન (6)ને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મુંબઈએ 4.3 ઓવરમાં 35 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યા, મિશેલ સેન્ટનર અને નમન ધીરે નિરાશ કર્યા હતા અને મોટા શોટ ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પીચ પર 197 રનનો ટાર્ગેટ મેળવવો આસાન હતો. પરંતુ, મુંબઈની ટીમ શરૂઆતથી જ ગુજરાતના બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા સિવાય મુંબઈના તમામ બેટ્સમેનો સારી શરૂઆત બાદ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.

તિલક અને સૂર્યા આઉટ થતાં જ ટીમ વેરવિખેર થઈ ગઈ
મુંબઈ માટે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. MI માટે તિલક વર્માએ 36 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 39 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 48 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને આઉટ થતાં જ મુંબઈની ટીમ વિખેરાઈ ગઈ હતી. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ કૃષ્ણાએ 2-2 અને રાશિદ ખાને 1 વિકેટ ઝડપી હતી.

પ્રસિદ્ધ ક્રિષ્ના બન્યો પ્લેયર ઓફ ધ મેચ
IPLની 18મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સની શાનદાર જીતનો હીરો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ હતો, જેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરોમાં, પ્રસિદ્ધ કૃષ્ણએ ચોક્કસ લાઇન અને લેન્થ સાથે શાનદાર બોલિંગ કરી અને GTની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. આ મેચ વિનિંગ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સાઈ સુદર્શને અડધી સદીની ઈનિંગ્સ રમી
અગાઉ, ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જીટી માટે, શુભમન ગિલ અને સાઈ સુદર્શને ઇનિંગની શરૂઆત કરી અને સુદર્શને પણ અડધી સદી ફટકારી. ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા અને અડધી સદી રમી. સુદર્શને 41 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ગુજરાત તરફથી શુભમન ગિલે 27 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 38 રનની ઇનિંગ રમી હતી. બટલરે 24 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રનનું યોગદાન આપ્યું હતું. આ ત્રણ સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, સત્યનારાયણ રાજુ અને મુજીબ-ઉર-રહેમાને 1-1 વિકેટ લીધી હતી.