GT vs RR: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું, IPL પોઈન્ટ ટેબલમાં ગુજરાત નંબર 1

IPL 2025 GT vs RR: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 23મી મેચ આજે એટલે કે, 9 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. અમદાવાદના (IPL 2025 GT vs RR) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે મોટી જીત મેળવી છે. આ મેચમાં ટોસ જીતીને રાજસ્થાને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ગુજરાતની ટીમે પહેલા બેટિંગ કરતા સાઈ સુદર્શનની 82 રનની ઇનિંગના જોરે 218 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી અને 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

યશસ્વી માત્ર 6 રન બનાવી શક્યો
218 રનનો ટાર્ગેટ ચેજ કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી, બીજી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલ અરશદ ખાનનો શિકાર થયો હતો. યશસ્વી માત્ર 6 રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ નીતિશ રાણા પણ એક રન બનાવીને ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જો કે ત્યાર બાદ સંજૂ સેમસન અને રિયાન પરાગે મોર્ચો સંભાળ્યો હતો. પરંતુ રિયાન પરાગ 26 રન બનાવીને આઉટ થઈ ગયો.

ધ્રુવ જુરેલ 5 રન બનાવીને ચાલતો થયો. બીજા છેડે સંજુ સેમસન સારી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તે ટકી શક્યો નહીં, અને 41 રન બનાવીને પ્રસિદ્ધ ક્રિષ્નાનો શિકાર થયો. રાજસ્થાન રોયલ્સ તરફથી સૌથી વધુ હેટમાયરે સૌથી વધુ 32 બોલમાં 52 રન બનાવ્યાં હતા. હેટમારયરની વિકેટ બાદ રાજસ્થાનની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતુ. આમ આખી ટીમ 19.1 ઓવરમાં જ 159 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

સુદર્શન અને જોસ બટલર વચ્ચે શાનદાર પાર્ટનરશીપ
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત કંઈ ખાસ રહી નહોતી. ત્રીજી જ ઓવરમાં જોફ્રા આર્ચરે ગુજરાતના કેપ્ટન ગિલને બોલ્ડ કર્યો હતો. ત્યારે ગુજરાતનો સ્કોર 14 રન હતો. પરંતુ ત્યાર બાદ સાઈ સુદર્શન અને જોસ બટલર વચ્ચે શાનદાર પાર્ટનરશીપ થઈ. બટલરની 10 ઓવરમાં વિકેટ પડી, ત્યારે ગુજરાતનો સ્કોર 94 રન હતો. બીજા છેડે સાઈ સુદર્શન ટકી રહ્યો હતો. તેણે 82 રનની ઇનિંગ રમી. શાહરૂખ ખાને 36 રન બનાવ્યાં ત્યાર બાદ રાહુલ તેવટિયાએ નાનકડી ઇનિંગ રમી અને ગુજરાત સામે 218 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

સંજુ સેમસન પણ પેવેલિયન પરત ફર્યો
રાજસ્થાનની આશાઓને મોટો ફટકો પડ્યો છે. રાજસ્થાનની અડધી ટીમ 13મી ઓવરમાં 116 રનમાં આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સંજુ સેમસન 28 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેને પ્રસિદ્ધ કૃષ્ણાએ પેવેલિયનમાં મોકલ્યો હતો.