ગુજરાતમાં નર્મદા ડેમ નજીક નિર્મિત કરવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને ૩૧ ઓક્ટોબરના રોજ પીએમ મોદીના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. જો કે તેના લોકાર્પણને એક માસનો સમય વીતી ચુક્યો છે. તેવા સમયે આ પ્રતિમામાં અનેક સ્થળોએ પ્રતિમામાં તિરાડ પડી હોવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તસ્વીરો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે સરદાર પટેલની પ્રતિમાના નીચેના ભાગે જ્યાં સરદાર પટેલની ધોતી બનાવવામાં આવી છે તેમાં અનેક સ્થળોએ તિરાડ પડેલી જોવા મળે છે. તેમજ અમુક સ્થળોએ તો પોપડી પણ પડી ગઈ છે. જેના લીધે લોકોના અનેક પ્રકારના તર્કવિતર્ક પણ જોવા મળી રહ્યાં છે.
આ પ્રતિમાના લોકાપર્ણ પૂર્વે પણ તેની વિશેષતા જણાવતા સરકારે કહ્યું હતું કે આ પ્રતિમા કાટપ્રતિરોધક અને ભૂકંપ પ્રૂફ છે. તેમજ તેના લીધે જ આ પ્રતિમાનું આયુષ્ય અન્ય પ્રતિમા કરતા વધુ છે.
જો કે આ પ્રતિમાના એક માસ બાદ જ સામે આવેલી પ્રતિમામાં તિરાડની તસ્વીરોએ સરકારના દાવાને પોકળ સાબિત કરી દીધા છે. તેમજ આ પ્રતિમાની ભવિષ્ય અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધી ૨૧૦૦ કરોડનો ખર્ચ થઈ ચુક્યો છે. તેમજ હજુ ૩૦૦૦ કરોડનો ખર્ચ કરવાનો બાકી છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુલ ૨૧૩૧.૪૫ કરોડનો ખર્ચ થયો છે. તેમજ આ ખર્ચ કુલ ૨૪૦૦ કરોડની આસપાસ પહોંચવાનું અનુમાન છે.
જેમાં કેન્દ્ર સરકારે ૩૦૦ કરોડ, રાજ્ય સરકારે ૫૫૪ કરોડ અને કેન્દ્ર અને રાજય સરકારની પીએસયુ કંપનીઓએ ૪૪૫ કરોડ અને બીજા દાતાઓએ ૧૦૨ કરોડ રૂપિયા અને ૩૬ લાખ રૂપિયા ડોનેશન દ્વારા મળ્યા છે. આમ કુલ ૧૪૧૨.૨૭ કરોડની આવક સામે ૨૨ ઓક્ટોબર ૨૦૧૮ સુધી કુલ ૨૧૩૧,૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઉંચી પ્રતિમા ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ને નર્મદા ડેમ નજીક સાધુ બેટ પર સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાને આકાર આપવા માટે કુલ ૩૪૦૦ કારીગરો અને ૨૫૦ થી વધારે એન્જીનીયર કાર્યરત રહ્યા હતા.
આ પ્રતિમાની ઉંચાઈ સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતા બમણી અને રિયો ડી જાનેરોની ‘ ક્રાઈસ્ટ ઓફ રીડીમર’ કરતા ચાર ગણી ઉંચી છે.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા’ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એમ જ નથી બની. ૧૮૨ મીટરની આ પ્રતિમા બનાવવા માટે હજારો મજૂરો અને અનેક એન્જીનીયરોને મહિના લાગ્યા છે. સાથે સાથે અમેરિકા અને ચીનથી લઈને ભારતના શિલ્પકારોએ પણ મહેનત કરી છે.
જો કે આ પ્રતિમાને આકાર આપવામાં સૌથી વધારે સમય તેમના ચહેરાને ભાવ આપવામાં થયો હતો. જેના લીધે આગામી વર્ષોમાં આ પ્રતિમા દુનિયાની અજાયબી ગણાશે.