પેપરલીક કાંડ મુદ્દે રેશમા પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતમાં લોકરક્ષક પરીક્ષાના પેપર લીક કેસમાં ભાજપના ત્રણ કાર્યકરની સંડોવણી સામે આવી છે. જેના પગલે ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. જો કે આ મુદ્દે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા અને ભાજપમાં સામેલ થયેલા પાટીદાર નેતા રેશમા પટેલે ભાજપ પર જ આકરા પ્રહાર કર્યા છે.

આ અંગે રેશમા પટેલે જણાવ્યું છે કે લોકરક્ષક ભરતીની પરીક્ષામાં પેપર લીક મામલે જે લોકોનાં નામ સામે આવ્યાં છે એ વિચારવા મજબુર કરે છે કે જનતાની સેવા કરવા રચાયેલું રાજકારણ આવા લોકોના કારણે ભ્રષ્ટ બન્યું છે.

રાજનિતીમાં જોડાયેલા લોકોજ આવા ગુનાહિત કૃત્યો કરશે,સીસ્ટમ સંભાળવા વાળાજ સીસ્ટમ ઉપરની વિશ્વસનીયતાનાં ધજીયા ઉડાવશે તો લોકો ન્યાય અને પારદર્શિતા માટે વિશ્વાસ કોના ઉપર કરશે ?

પક્ષમાં જોડાયેલા લોકોને સસ્પેન્ડ કરવાથીજ રાજનિતીમાં રહેલ ભ્રષ્ટ લોકો ખતમ નહીં થાય.ભારતીય જનતા પાર્ટીની એક કાર્યકર્તા તરીકે કહેવા માગું છું કે પક્ષના લોકો આવા કાર્ય માં સંડોવાયેલા હોય ત્યારે અમારે શરમથી માથું જુકાવવું પડે છે આવા લોકોની આવા કૃત્યો કરવાની હિંમતનું કારણ એ છે કે જ્યારે જ્યારે ચુંટણીઓ આવે છે ત્યારે દરેક પક્ષો દ્વારા જીલ્લા પંચાયતથી લઇ વિધાનસભા, લોકસભામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને પણ ટીકીટો આપી દેવામાં આવે છે અને આવા લોકો પોતાની નૈતિકતા ભૂલી જાય છે અને આવા કૃત્યોને પોષણ આપે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષામાં ભાજપના બે કાર્યકરની સંડોવણી બાદ ભાજપના ત્રીજા કાર્યકરની પણ ધરપકડ કરવામાં આવી છે.

મુકેશ ચૌધરી અને મનહર પટેલ બાદ આ કેસમાં ભાજપ કાર્યકર જયેન્દ્ર રાવલ નું પણ નામ ખુલ્યું છે. જો કે પોલીસે આ કેસમાં સમગ્ર પેપર લીકના મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકીની પણ શોધખોળ હાથ ધરી છે, તેમજ યશપાલની ધરપકડ બાદ અનેક મોટા નેતાઓ નામ ખુલે તેવી શક્યતા છે.

આ ઉપરાંત આ ઘટનાની વિગત મુજબ ભાજપ નેતા મનહર પટેલની પૂછતાછમાં તેના ખાસ મિત્ર જયેન્દ્ર રાવલનું નામ ખુલ્યું છે.

પોલીસે બાયડના સાંબઠા ગામના જયેન્દ્ર રાવલ નામના વ્યક્તિની અટકાયત કરી છે. જયેન્દ્ર રાવલ અરવલ્લી ભાજપમાં સક્રિય કાર્યકર છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે તેની અટકાયત કરી હતી જયેન્દ્ર રાવલ બાયડના સાંઢબા ગામનો ભાજપનો પૂર્વ મહામંત્રી છે.

જો કે પેપર લીક કેસમાં નામ સામે આવતા જ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી અને બાયડના અરજણ વાવના મનહર પટેલની તાત્કાલિક પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. મળતી માહિતી પ્રમાણે મુકેશ ચૌધરી વડગામ તાલુકા પંચાયતનો સભ્ય છે જ્યારે મનહર પટેલ બાયડ પાલિકાની ચૂંટણી લડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *