ગુજરાતમાં બારેય મેઘ ખાંગા! અમદાવાદમાં 8 ઈંચ તો ભરૂચમાં 12 ઈંચ ખાબક્યો વરસાદ

Gujarat Heavy Rain: ગુજરાતમાં આજે પણ મેઘાની જમાવટ યથાવત છે. સવારે બે કલાકમાં 125 તાલુકામાં વરસાદ વરસ્યો. તો ભરૂચના નેત્રંગમાં 3 ઈંચ વરસ્યો. ગઈકાલે 12 ઈંચ ખાબક્યા બાદ આજે પણ 3 ઈંચ વરસાદ નોંધાયો. સવારે પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળ્યો. સુરતના માંગરોળ, ઉમરપાડામાં 2થી અઢી ઈંચ પડ્યો. નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યાં છે. પરંતું ભરૂચના વાલિયા પંથકમાં 11.88 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. 14 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકી(Gujarat Heavy Rain) જતા સર્વત્ર પાણી જ પાણી છે. આ સાથે જ નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંબાવના છે.

હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ખૂબ જ ભારે, અતિ ભારે, મધ્યમ, અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ચાર મહત્ત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે, જેમાં એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, અને શિયાર ઝોનનો સમાવેશ થાય છે.

આજે સવારે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
ગુજરાતમાં સોમવારના રોજ 183 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એમાં પણ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચની સાથે તાપી, ભરૂચ, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થયો હતો.

એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. પૂર્વ વિસ્તારમાં નરોડામાં એક કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કોતરપૂર, સરદારનગર, મણીનગર સહિતના વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.