ગુજરાતમાં ઠંડીનો ચમકારો: એકસાથે 15 શહેરોનો પારો પંદર ડિગ્રીથી નીચે, નલિયા બન્યું સૌથી ઠંડુગાર

Gujarat Cold Forecast: શિયાળાએ ડિસેમ્બર મહિનાની શરુઆતથી જ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરુ કરી દીધું છે. ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડી (Gujarat Cold Forecast) પડી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ ઠંડીનો પારો 8 ડિગ્રી નજીક પહોંચ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારે કચ્છમાં પણ ભારે કોલ્ડ વેવની આગાહી કરી છે.

ડીસામાં 8 ડિગ્રી નજીક પહોંચ્યું લઘુતમ તાપમાન
ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ઠંડીનો પારો તળિયે પહોંચી રહ્યો છે. ત્યારે નલિયા બાદ હવે ડીસામાં પણ 8 ડિગ્રી નજીક લઘુતમ તાપમાન પહોંચી ગયું છે. જ્યારે નલિયામાં ફરી 6.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં અત્યારે 6.2 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું હતું.

અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ ઠંડી યથાવત
ગુજરાતમાં પડતી કડકડતી ઠંડીના પગલે મેટ્રો શહેર અમદાવાદ પણ ઠઠરી રહ્યું છે. અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન યથાવત રહ્યું છે. રવિવારે અમદાવાદ શહેરમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઠંડીના પગલે શહેરી જીવન પર અસર વર્તાઈ રહી છે. કામ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમ વર્ષાના પગલે ઉત્તર ભારત સહિત ગુજરાત ઉપર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હિમ વર્ષાની અસર ગુજરાત ઉપર દેખાઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સોમવારે પણ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.

બર્ફિલા પવનોથી દિવસે પણ ઠંડીની અસર
ઉત્તર દિશા તરફથી આવતા બર્ફિલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફુંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર
છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખૂલવા લાગી છે. તો વહેલી સવારના બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફરો સાથે ઊપડે છે. આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે, તેમ તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર તેની ગંભીર અસર થશે.

7 જિલ્લાનું તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી ઓછું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જિલ્લાનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું હતું. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 10.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 10.4 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીનું 10 ડિગ્રી સેલ્સિયસ, ભુજનું 11.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસાનું 8.9 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરનું 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠાની પણ સંભાવના
ભરશિયાળા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો લાંબો ચાલશે. આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે. ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે.