ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું…

Resignation of Ganiben Thakor: ગુજરાતમાં ફાઇનલી દસ વર્ષની તપસ્યા બાદ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ‘બનાસના બેન’ ગેનીબેન ઠાકોર થકી બનાસકાંઠામાં ખાતું ખોલવામા સફળતા મેળવી છે. બનાસના બેને અગાઉ કોંગ્રેસમાં પડતી તકલીફો મુદ્દે ઘણી વાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. એટલે ઘણાં સમયથી બેન કંટાળીને રાજીનામું(Resignation of Ganiben Thakor) આપશે એવી અફવાઓ અવારનવાર ઉડી હતી. પરંતુ ફાઇનલી હવે બેનના રાજીનામાની વાત સાચી પડી છે. જોકે, તેનુ કારણ કોંગ્રેસનો કંટાળો નહીં પણ લોકસભા ચૂંટણીમાં જીતનો શુભ અવસર છે. બેનના રાજીનામા સાથે જ હવે ગુજરાત કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ 12 પર પહોચશે.

ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા
કોંગ્રેસના આક્રમક નેતા ગણાતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા. તેમને તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. તેમણે ભાજપના રેખાબેન ચૌધરીને પરાજય આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનુ સંખ્યાબળ 17 હતુ. ત્યારબાદ એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડવાને કારણે સંખ્યાબળ 13 પર પહોચયુ હતુ. હવે બનાસકાંઠાના સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર ચૂંટાતા તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

કોંગ્રેસ ગેનીબેન ઠાકોરની આ ભવ્ય જીતની ઉજવણી કરશે
રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોર અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર જઈ સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે. 2009 બાદ પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવારને લોકસભા ચૂંટણીમાં જીત મળી છે. ગેનીબેન ઠાકોરના આક્રમક વલણ અને તમામ પ્રશ્નો પર સરકારને લડત આપવાના વલણને લઈને તેમના પ્રદેશમાં તેમનું માન વધ્યું છે.

ગુજરાતમાં એક બેઠક પર જીત મેળવનાર કોંગ્રેસ ગેનીબેન ઠાકોરની આ ભવ્ય જીતની ઉજવણી કરશે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોર પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિતચાવડા સાથે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સંભવત તેમની આ ભવ્ય જીત બાદ કોંગ્રેસપક્ષ તેમને વધુ મહત્વની જવાબદારી સોંપી શકે છે.

6 મહિનાની અંદર ફરી પેટા ચૂંટણી યોજાશે
નોંધનીય છે કે વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામું આપતા વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યા બળ ઘટીને 12 થશે. અગાઉ વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા 13 હતી. બનાસકાંઠાથી ધારાસભ્ય બન્યા બાદ હવે વિધાનસભામાં વાવ બેઠક ખાલી થતા ત્યાં 6 મહિનાની અંદર ફરી પેટા ચૂંટણી યોજાશે.

સર્વપક્ષીય રીતે દેશહીત અને રાજ્યના હીતમાં કામ
આ અંગે ગેનીબેને કહ્યું કે લોકશાહીના ભાગરુપે ચૂંટણી હોય ત્યારે પાર્ટીની વિચારધારા મુજબ વાત મુકાય છે પણ ચૂંટણી પત્યા પછી સર્વપક્ષીય રીતે દેશહીત અને રાજ્યના હીતમાં કામ કરવાનું હોય છે અને અમે સાથે મળીને સમસ્યા ઉકેલવાના પ્રયત્નો કરીશું.