ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. તમામ પક્ષો ખુબ જ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લઇ રહ્યા નથી. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારે આ બધાની વચ્ચે ગઈકાલે વાઘોડિયા(Vaghodia)ના મધુ શ્રીવાસ્તવે(Madhu Srivastava) બફાટ કર્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો…
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મધુ શ્રીવાસ્તવે બફાટ કરતા કહ્યું કે, EVM મશીનમાં મારો ક્રમાંક સાત નંબર નો છે અને ઉપરના બીજા છ નંબરના તો છક્કાઓ છે. તેથી તમે મારા સાત નંબરના ક્રમાંક વાળું જ બટન દબાવજો અને બીજા મતદારોને પણ કહી દેજો કે સાત નંબરના ક્રમાંક વાળું બટન જ દબાવે.
મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પ્રચાર દરમિયાન સભાને સંબોધતા મતદારો સમક્ષ આ વિવાદિત નિવેદન આપ્યું હતું. મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા મતવિસ્તારમાં આવતા જરોદ ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સભાને સંબોધતી વખતે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપતા રાજકારણ ગરમાય ગયું છે.
ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને થોડો સમય જ બાકી રહ્યો છે. ત્યારે નેતાઓ છેલ્લી ઘડી સુધી લડી લેવા માંગે છે. એમાં કેટલાંક ઉમેદવારો જોશમાં આવીને હોશ ખોઈ બેસતા હોય છે.અને બેફામ બફાટ કરી નાખતા હોય છે. આવા ઉમેદવારો કે નેતાઓ તમામ પ્રકારની મર્યાદાઓ નેવે મુકીને ચૂંટણી સભામાં તાળીઓ પડાવવા માટે બેફામ વાણી વિલાસ કરતા નજરે ચડતા હોય છે.
અમે તમને જણાવી દઈએ કે, વાઘોડિયાના દંબગ નેતા મધુ શ્રીવાસ્તવ પણ આ પ્રકારની પ્રવૃત્તિ અને પ્રકૃતિ માટે જાણીતા છે. અત્યાર સુધી તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. જોકે, આ વખતે ભાજપ પાસેથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી કરી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.