મહાકુંભમાં જતાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે ગુજરાત સરકાર, ‘ગુજરાત પેવેલિયન’ મળશે તમામ સેવા-સુવિધા

Maha Kumbh 2025: ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક મેળો એટલે કુંભ મેળો. દર 12 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ મેળો આ વર્ષે એટલે કે 2025માં યોજાઈ રહ્યો છે અને તે આધ્યાત્મિક દૃષ્ટિએ (Maha Kumbh 2025) ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિ અનુસાર ચારેય મુખ્ય ગ્રહો – સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ એક જ રેખામાં આવશે. આવો સંયોગ દર 144 વર્ષમાં એકવાર બને છે, તેથી આ મહાકુંભનું વિશેષ મહત્વ છે. ભારત સહિત વિશ્વભરના લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પ્રયાગરાજ આવશે.

ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ 2025માં ભાગ લેવા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવાના છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ પ્રકારની મદદ અને સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ‘ગુજરાત પેવેલિયન’ બનાવવામાં આવ્યું છે.

ગુજરાત પેવેલિયનની વિશેષતાઓ

24 કલાક હેલ્પ ડેસ્ક
મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને માર્ગદર્શન અને માહિતી આપવા માટે 24 કલાક કાર્યરત હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ છે, જેનો ટોલ-ફ્રી નંબર 1800-180-5600 છે.

ગુજરાતના પર્યટન સ્થળોની ઝાંખી
વિશ્વભરના શ્રદ્ધાળુઓ ગુજરાતના સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ગુજરાતના શ્રેષ્ઠ પર્યટન સ્થળોની ઝાંખી ઊભી કરવામાં આવી છે.

હસ્તકલાના સ્ટોલ
મહાકુંભમાં આવતા ભક્તો અને પ્રવાસીઓ ગુજરાતના હસ્તકલા વારસા વિશે જાણી શકે અને ખરીદી પણ કરી શકે તે માટે ગુજરાતના વિવિધ હસ્તકલાના 15 સ્ટોલ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતી ભોજનના સ્ટોલ
પેવેલિયનમાં ગુજરાતની ગ્રામીણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા 10 સ્ટોલ પણ હશે, જ્યાં યાત્રિકો સ્વાદિષ્ટ ગુજરાતી ભોજનનો આનંદ માણી શકશે. આ પહેલથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે.

મહાકુંભ 2025માં ભાગ લેવા જતા ગુજરાતના શ્રદ્ધાળુઓ કોઈપણ જાતની મુશ્કેલી વિના યાત્રા કરી શકે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘ગુજરાત પેવેલિયન’ એક મહત્વપૂર્ણ પગલું છે.