સૂર્યદેવ કરશે અગનવર્ષા! આજથી ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી, તો મહારાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું

Gujarat Heatwave Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એકવાર આકરી ગરમી પડશે, આ સાથે હિટવેવની પણ ચેતવણી અપાઇ છે. રાજયના મોટાભાગના (Gujarat Heatwave Forecast) વિસ્તારમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે. વાતાવરણમાં પલટા બાદ આજથી ફરી આકાશમાંથી અગનવર્ષા વરસવાની આગાહી છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જશે, સોમવારે 42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અંગ દઝાડતી ગરમીનું અનુમાન છે.

ક્યાં વધારે ગરમી
અમદાવાદ – 42.9
ગાંધીનગર – 42.5
રાજકોટ – 42.2
ભાવનગર – 42.2
ડીસા- 41.1
વડોદરા- 40.8
ભુજ- 40.8
સુરત- 40.1

અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીએ કહેર મચાવવો શરૂ કરી દીધો છે. રાજસ્થાનમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એપ્રિલ મહિનાના મધ્યમાં આકરી ગરમીએ એલર્ટ આપવાનું શરૂ કર્યું છે કે આ વખતે ગરમી પોતાનો પ્રકોપ બતાવશે.

હવે દિલ્હી-એનસીઆરમાં પણ તાપમાનમાં વધારો નોંધાવા લાગ્યો છે. આજે દિલ્હી-NCRનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ થવા જઈ રહ્યું છે, જે આવતીકાલે વધીને 39 ડિગ્રી થઈ જશે. ગુરુવારે તાપમાનમાં વધુ 2 ડિગ્રીનો વધારો થવા જઈ રહ્યો છે, ત્યારબાદ દિવસનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જશે. મતલબ કે દિલ્હી-એનસીઆરમાં ગરમીના કારણે લોકોને રસ્તા પર બહાર નીકળવું મુશ્કેલી બની જશે.

રાજધાની દિલ્હીમાં આજે ગરમીનો પારો વધવા જઈ રહ્યો છે. પાટનગરમાં આજે દિવસભર આકરો તડકો રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. દિલ્હીમાં દિવસ દરમિયાન 10 થી 15 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. જો કે આનાથી હવામાનમાં બહુ ફરક પડવાનો નથી. રાત્રિનું લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિલ્હી સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. તેમજ કર્ણાટક, દક્ષિણ છત્તીસગઢ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.