ઉદ્યોગમાં વપરાતા પાણી બાબતે ગુજરાતના ઉદ્યોગમંત્રીએ ઉદ્યોગપતિઓ સાથે કરી અગત્યની મીટીંગ

Industries Minister of Gujarat: ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં બુધવાર, તા. ૮ જાન્યુઆરી, ર૦રપના રોજ ગાંધીનગર ખાતે રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ઔદ્યોગિક એસોસીએશનોના હોદ્દેદારો સાથે મિટીંગ (Industries Minister of Gujarat) મળી હતી. આ મિટીંગમાં ગુજરાતના એમએસએમઇ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મમતા વર્મા, જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. રાહુલ ગુપ્તા, ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર સંદીપ સાગલે તથા ગુજરાત સરકારના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્યમાં ઉદ્યોગ – ધંધાઓને વ્યાપારમાં પડતી મુશ્કેલીઓને સાંભળી તેનું નિરાકરણ લાવવાના હેતુથી ઉપરોકત મિટીંગ બોલાવી હતી, જેમાં તેમણે ઉદ્યોગ – ધંધાઓને લગતા વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા અને તે સંદર્ભે સકારાત્મક જવાબો આપ્યા હતા. દરમ્યાન ઉદ્યોગ મંત્રીએ ચાલુ મિટીંગમાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પાણીના દરમાં દર વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવતો હતો, જેને હવે ઘટાડીને ૩ ટકા કરાયો છે.

ઉપરોકત મિટીંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિકકી– ગુજરાત, એસોચેમ– ગુજરાત, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન વિગેરેના હોદ્દેદારો અને પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી– સુરતના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ આ મિટીંગમાં જોડાયા હતા.

ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ ઉદ્યોગ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા સૂચિત ઊંચા જંત્રી દરના કારણે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારને અસર પડી શકે તેમ હોવાથી તેને રેશનલાઇઝ કરવામાં આવે. ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીનો લાભ શહેરી વિસ્તારમાં ટેક્ષ્ટાઇલના નોન પોલ્યુટેડ એકમોને મળવો જોઇએ. SME અને MSME રજિસ્ટ્રેશન માટે સિંગલ વીન્ડો સિસ્ટમ અથવા તેના માટે નોડલ ઓફિસર હોવા જોઇએ. સાથે જ MSME ફેસીલિટેશન કાઉન્સીલની મિટીંગ દર પંદર દિવસે મેળવી જોઇએ. સુરતમાં ઘણા વિસ્તારમાં CETPની ક્ષમતા પૂર્ણ થઇ ગઇ હોવાને કારણે આવા વ્સ્તિારોમાં ઔદ્યોગિક એકમો સ્થપાતા ન હોવાથી નવા સીઇટીપી ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

SGCCI દ્વારા કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. MSME ફેસીલિટેશન કાઉન્સીલની મિટીંગ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સુરત સહિત છ બેન્ચ શરૂ થઇ છે અને આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગ – ધંધાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે તેમ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ અને ઔદ્યોગિક એસોસીએશનોને ઉદ્યોગ – ધંધાઓને લગતા અન્ય વિવિધ નીતિ વિષયક પ્રશ્નોની રજૂઆત તેના નિરાકરણના સૂચનો સાથે મોકલી આપવા અનુરોધ કર્યો હતો.

જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુરતમાં નવા CETP પ્લાન્ટ સ્થાપિત કરવા જઇ રહી છે અને તેના માટેનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે.