ભાજપ, કોંગ્રેસની ચિંતા ન કરે ભાજપના અનેક નેતાઓ મારા સંપર્કમાં છે સમય આવે ખબર પડી જશે

Published on: 8:48 am, Mon, 7 January 19

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ

ગુજરાત ભાજપના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી વચ્ચે ગત રોજ દિલ્હીમાં બેઠક કરી કોંગ્રેસે નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો કર્યા છે. ઘીના ઠામમાં ઘી ઢળે તેમ તમામ નારાજ નેતાઓએ ફરી કામમાં જોતરાઈ જવાની બોંહેધરી અાપી છે ત્યાં આજે અલ્પેશ ઠાકોર ભાજપમાં મંત્રી બનતા હોવાની હવાએ સવારથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી હતી.

આ દરમિયાન નીતિનભાઈએ અસંતુષ્ટોનું ભાજપમાં સ્વાગત હોવાનું કહી બળતામાં ઘી હોમતાં કોંગ્રેસ પણ મેદાને આવી ગઈ હતી. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપના અનેક નેતાઓ કોંગ્રેસમાં આવવા થનગની રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

ભાજપના અનેક નેતાઓ તેમના સંપર્કમાં

કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી છે તેવા ડેપ્યુટી સીએમના નિવેદનને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં લોકશાહી છે, બધાને પોતાની વાત રજૂ કરવાની તક મળે છે પણ ભાજપમાં નેતાઓ ખુલીને બોલી શકતા નથી.

અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ, કોંગ્રેસની ચિંતા ન કરે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાના નીતિન પટેલના દાવા સામે અમિત ચાવડાએ દાવો કર્યો કે ભાજપના અનેક નેતાઓ તેમના સંપર્કમાં છે. સમય આવે ખબર પડી જશે.

કોંગ્રેસ પહેલાં ભાજપ તૂટી જશે

તો આ તરફ મહિલા ભાજપના નેતા રેશમા પટેલે ફરી નારાજગીના સૂર રેલાવ્યા છે.. રેશમાએ દાવો કર્યો છે કે ભાજપના નારાજ પાંચ-સાત ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. અને એવું ન બને કે કોંગ્રેસને તોડવાના ચક્કરમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ તૂટી જાય.

કમનસીબી એ છે કે કંટાળેલા ધારાસભ્યો ખુલીને પોતાની નારાજગી વ્યક્ત નથી કરી શકતા. રેશમાએ માત્ર વોટબેંકની રાજનીતિ કરનારા નેતાઓને જનતાના કામ કરવાની પણ સલાહ આપી છે. રેશમાના મતે ભાજપમાં કામ થાય છે એવા વિશ્વાસથી લોકો આવે છે પણ તેમના કામ નથી થતા એટલે પસ્તાય છે.

અસંતુષ્ટોનું ભાજપમાં સ્વાગત છે

કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ખુદ સિનિયર નેતાઓ જ પક્ષથી નારાજ છે. ત્યારે કોંગ્રેસના કકળાટમાં ભાજપે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટશે.. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં આવશે.

નીતિનભાઈએ થોડા દિવસ પહેલા કોંગ્રેસના સિનિયરોની મળેલી ગુપ્ત બેઠકને ટાંકતા કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો પક્ષથી નારાજ છે એટલે તેઓ પક્ષ છોડવાની તૈયારી કરી રહ્યા છે.. જોકે તેમણે કોઈ નેતાનું નામ લીધુ નહોતુ. પણ અલ્પેશ ઠાકોર નારાજ હોવાના સવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અલ્પેશ ઠાકોર સહિતના જે નેતાઓને ભાજપમાં આવવું હોય તેમનું સ્વાગત છે.