ગુજરાતને મળી શકે વધુ એક નવો જીલ્લો; CM ભૂપેન્દ્ર પટેલ કરશે સત્તાવાર જાહેરાત

Gujarat New District: નવા વર્ષના સૂર્યની પહેલી કિરણ સાથે ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લાઓ હશે. ગુજરાત (Gujarat New District) રાજ્યને વધુ એક નવો જિલ્લો મળવા જઇ રહ્યો છે. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાનું વિભાજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો જાહેર કરવામાં આવી શકે છે. કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જોકે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં કરવામાં આવશે.

વાવ-થરાદને જાહેર કરાશે નવો જિલ્લો!
હાલમાં ચાલી રહેલી અટકળો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને વાવ-થરાદને મળીને નવા જીલ્લાની રચના કરવામાં આવી શકે છે. હાલમાં બનાસકાંઠામાં 14 તાલુકા છે, જેમાંથી 8 તાલુકાને વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરવામાં આવી શકે છે. આ નવા જિલ્લાનું વડુ મથક થરાદ રહેશે તેવી પણ સંભાવનાઓ છે.

થરાદને પણ જિલ્લો બનાવવા કરવામાં આવી હતી રજૂઆત
બનાસકાંઠા જિલ્લામાં થરાદ નવો જિલ્લો બનાવવા વર્ષોથી અનેક રજૂઆતો થઈ ચૂકી છે. ઉચ્ચ અધિકારીઓએ પણ આ અંગે સર્વે કરી સરકારમાં અહેવાલ મોકલી આપ્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ જિલ્લો બને તેમજ વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે અગાઉ અનેક રજૂઆતો થઈ ચૂકી છે. વર્ષો પહેલા જિલ્લો બનાવવા સત્તાધીશો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી. જેમાં તેમની રજૂઆતોના કારણે મુખ્યમંત્રી દ્વારા જીલ્લા કલેક્ટર મારફતે થરાદ નાયબ કલેક્ટરનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો.

ત્યારે થરાદ નાયબ કલેક્ટરે ભૌગોલિક, વિકાસ અને સામાજિક દ્રષ્ટિએ થરાદ જિલ્લો બનાવાને યોગ્ય હોવાની હકારત્મક માહિતી સરકારને મોકલી હતી. જાણવા મળતી માહિતી અનુસાર 1948 થી કાર્યરત થરાદ પ્રાંતમાં થરાદ, વાવ,ભાભર, દિયોદર અને કાંકરેજ તાલુકાઓનો સમાવેશ થતો હતો. બનાસકાંઠાના 14 તાલુકાઓની સરખામણીએ થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણી તાલુકાનો જિલ્લો થરાદને બનાવવાથી વહિવટી કામોમાં સરળતા ઉપરાંત વિકાસ કામગીરીને વેગ મળશે.

સુવિધાઓની સાથે સાથે રોજગારી વધશે
થરાદના અગ્રણીએ જણાવ્યું હતું કે થરાદ જીલ્લો એ આજુબાજુના પાંચ તાલુકાનું સેન્ટર છે. તેમજ પરાદ જીલ્લો બનવાથી પાંચ તાલુકાના લોકોને વહીવટી કામગીરી સરળતાથી ઉપલબ્ધ થશે અને નજીક મળશે તેમજ થરાદ જિલ્લો બનવાથી લોકોને રોજગારીમાં વધારો થશે તેમજ ઘરાદ સહિત પાંચ તાલુકાઓમાં પણ વિકાસ થશે.