Khodiyar Mata Matel Temple: ગુજરાત એક એવું રાજય છે જયાં અનેક વાર્તા, લોકકથા, જે શ્રદ્વા સાથે જોડાયેલી છે, અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર (Khodiyar Mata Matel Temple) ના હોય, ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા છે, આવી છે એક કથા છે માટેલીયા ધરાની.
મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે, જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી છે તેટલી જ શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે પણ જોડાયેલ છે. કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી, સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે, પણ અહી આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી, માટેલ ગામના લોકો આજ ધરાનું પાણી પીવે છે, અને તે પણ ગરણામાં ગાળ્યા વગર જ.
માતાજીએ આપ્યા અનેક પરચા
માટેલીયા ધરાની જોડે જ આગળ એક બીજો નાનો ધરો આવેલો છે, જેને ભાણેજીયો ધરો કહેવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે આ ધરાની નીચે ખોડીયાર માતાજીનું સોનાનું મંદિર આવેલું છે જે આજે પણ ત્યાં જ છે. પરંતુ કોઈને દેખાયું નથી, લોકવાયકા અનુસાર બાદશાહે આ મંદિરને જોવની ઇચ્છા રાખી નવસો નવાણું કોષ પાણી ખેચવાનું સાધન મંગાવ્યું હતું, ત્યારે ધરાનું પાણી કોષ દ્વારા ખેંચી લેવાતા ધરાની નીચે રહેલા મંદીરની ઉપર સોનાનું ઈંડુ જોવા મળ્યું હતું. આ વાતથી ખોડીયાર માતાજી કોપાયમાન થયા હતા અને તેમને ભાણેજીયાને બોલાવ્યો અને આ ધર્મ એટલું પાણી ભરી દીધું કે નવસો નવાણું કોષ પાણીમાં પાછા ગરકાવ થઈ ગયા હતાં. માતાજીએ પોતાનું સત દેખાડીને એ સમયે પોતાના હોવાને પરચો આપ્યો હતો. આ વાતનો ઉલ્લેખ “ગળધરેથી માજી નીસર્યા” ગરબામાં પણ જોવા મળે છે જે ખોડીયાર માતાજી સાથે જોડાયેલો છે.
તમને જણાવી દઈએ કે, માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, મંદિરમાં ચાર પ્રતિમા છે, આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની. અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો સાથે મા ખોડિયારના પરચા જોડાયેલા છે. ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે, તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે.
ધાર્મિક માહાત્મ્ય
મા ખોડલના પ્રાગટ્યને લઈને રસપ્રદ કથા છે. લોકવાયકા અનુસાર મા ખોડલનું મૂળ નામ જાનબાઈ હતું. તેમની અન્ય છ બહેનાનાં નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઇ, હોલબાઇ અને સોસાઇ હતાં. જ્યારે તેમના માતાનું નામ દેવળબા અને પિતાનું નામા મામળિયા હતું. મૂળ ભાવનગરના વલ્લભીપુર પાસે રોહિશાળા ગામના ચારણ એવા ખોડલમાતાજીના પિતાને પહેલા કોઈ સંતાન ના હોઈ લોકો વાંઝિયાનું મહેણું મારતા હતા. આ જ કારણે વલ્લભીપુરના રાજા શિલાદિત્ય સાથેની તેમની મિત્રતા તૂટી ગઈ. આ ઘટનાથી ખૂબ લાગી આવતાં મામળિયા શિવ આરાધના માટે નીકળી પડ્યા મામળિયાની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને વરદાન આપ્યું કે પાતળલોકના નાગદેવતાની સાત પુત્રીઓ અને નાગપુત્ર તમારા ઘરે જન્મ લેશે. દંતકથા અનુસાર મહાસુદ આઠમના દિવસ દેવળ બાએ ઘરમાં આઠ પારણાં મૂક્યાં. જે સાત પુત્રીઓ અને એક પુત્રથી ભરાઈ ગયાં.
નિર્માણ
લોકવાયકા મુજબ ખોડિયાર માતાજીનું મંદિર 1200 વર્ષ જૂનું છે. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર માઇભક્તોમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ગુજરાતમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ મંદિરો છે. જેમાં ધારી પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામે આવેલાં છે. ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં આવેલા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App