રિક્ષા-ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા મરણચીસોથી ગૂંજી ઉઠ્યો ખેડાનો હાઇવે: 3 લોકોનો લીધો ભોગ, 4 ઘાયલ

Kheda Accident: માતરના વારૂકાંસ નજીક શુક્રવાર રાત્રે 80ની સ્પીડમાં આવતી કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધ માતા અને રીક્ષા ચાલક (Kheda Accident) પુત્રનું બનાવના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પૌત્રનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે 4ને ઇજા પહોંચી હતી.સીંજીવાડાનો પરિવાર રીક્ષામાં સંબંધીની દીકરીના લગ્નમાં છઠ્ઠા માઇલ જતા હતા.

કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત
માતર તાલુકાના સીંજીવાડા ગામના મલેક ફળીયાની મસ્જિદ પાછળ રહેતા હૈદરમીયા અહેમદમીયા કુરેશી (ઉં.વ.33) પરિવાર સાથે રહી તારાપુર ચોકડી પર આવેલી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તા.9 મે ના રોજ છઠ્ઠા માઇલમાં રહેતાં માસા ઇસુબમીયા અલ્લાઉદ્દીનમીયા ચૌહાણની દીકરીના લગ્ન હતા.

જેથી શનિવારે સાંજના 7:00 વાગ્યાના અરસામાં મોટાભાઈ ઇરશાદમીયાની રીક્ષામાં પત્ની નફીશાબાનુ, ભત્રીજીઓ ફીઝાબાનુ અને સાનિયાબાનુ, ભત્રીજા અયાન (ઉં.વ.14) અને ફરહાન તેમજ માતા ઝહીરનબીબી લગ્નમાં જવા નીકળ્યા હતા.

3 લોકોના આ અક્સમાતમાં મોત થયા
આ દરમિયાન વારૂકાંસ નજીક સામેથી આવતી 80ની સ્પીડમાં આવતી કાર રોંગ સાઈડે આવી રીક્ષાને અડફેટ મારી હતી. જેથી રિક્ષામાં સવાર સાતેય વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં ઝહીરનબીબી (ઉં.વ.57) અને રીક્ષા ચાલક ઇરશાદ (ઉં.વ.37) શરીરે ગંભીર ઇજા થતાં બનાવના સ્થળે મોત નીપજ્યું હતું. અન્ય ઘવાયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. સારવાર દરમિયાન અયાન (ઉં.વ.14)નું મોત થયું હતું.