ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી: ભાડામાં તોતિંગ વધારો ઝીંકાતા લાખો મુસાફરોને સીધી અસર

Gujarat ST Corporation: ગુજરાતની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય (Gujarat ST Corporation) લેવાયો છે. એસટી નિગમ દ્વારા બસ સેવાનાં ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે, તેથી આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ થશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના લાખો મુસાફરોના ખિસ્સા પર સીધી અસર થશે. જણાવી દઈએ કે, વર્ષ 2014 બાદ વર્ષ 2023માં વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું હોવાથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ હવે વર્ષ 2025માં બસ ભાડામાં ભાવ વધારો કરાયો છે.

ગુજરાત ST વિભાગે ભાડામાં 10 ટકાનો વધારો કર્યો
ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે, નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત હતી, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ તબ્બકાવાર ભાડા વધારોનો નિર્ણય કર્યો હતો. જે પૈકી 1 ઓગસ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો છે.

નિગમની પરિવહન સેવાઓ વધુ મજબુત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.

જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેવી રાજયના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરીને ભાડા વધારાથી નહિવત આકાર થવા પામશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ST દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે.