અવારનવાર સમગ્ર રાજ્યમાં રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે તેમજ અનેક લોકો રક્તદાન કરતા હોય છે. કોરોના બાદ તો લોકો રક્તદાન પ્રત્યે વધુ જાગૃત થયા છે જેથી મોટાભાગના લોકો રક્તદાન કરતા થયા છે. કોરોના મહામારીને કારણે ઠેર-ઠેર લોહીની અછત જોવા મળી રહી છે.
આવા સમયમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા કેન્સર તેમજ કિડની અને જરૂરીયાતમંદ દર્દીઓને વિના મુલ્યે રક્ત મળી રહે એવા શુભ આશયથી રક્તદાન કેમ્પ તથા ડાયાબિટિસ ચેકઅપનું આયોજન કરાયું હતું.
રક્ત ક્રાંતિ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપેન્દ્ર દવે જણાવે છે કે, આજે હું 199 મી વખત રક્તદાન કરી રહ્યો છુ. મારી જે સંસ્થા છે તે વર્ષ 1991 થી સતત રક્તદાન સેવા માટે કાર્ય કરી રહી છે. મારી સંસ્થા ઇમરજન્સી વખતે સમગ્ર દેશમાં ગમે તે જગ્યાએ રક્ત પહોંચાડવાનું કાર્ય કરી રહી છે.
199 વાર રક્તદાન કરનાર ભુપેન્દ્ર દવેના દીકરા કિશન દવેએ પણ સૌપ્રથમવખત રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રાજસ્થાનનાં સાંચૌર નિવાસી જયંતીલાલ 110 કિમી દૂરથી પાલનપુરમાં રક્તદાન કરવા માટે આવ્યા હતા તેમજ તેમણે 21 મી વખત રક્તદાન કર્યું હતું.
જયંતીલાલ જીનગર જણાવે છે કે, તમામ સ્વસ્થ લોકોએ અવશ્યપણે રક્તદાન કરવું જોઇએ કે, જેથી જરૂરીયાતમંદ લોકોને તાત્કાલિક રક્ત મળી રહે. રક્તદાન કરવાથી કોઇપણ જાતની બિમારી થતી નથી તેમજ શરીર સ્વસ્થ રહે છે. એક વ્યકિતએ કરેલ રક્તદાન 3 લોકોનું જીવન બચાવી શકે છે.
મહત્વની વાત તો એ છે કે, આ રક્તદાન કેમ્પમાં કુલ 71 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય નિયામક કે. એસ. ચૌધરી, કર્મચારીઓ તેમજ રક્તદાતાઓ પણ હાજર રહ્યા હતા. ખુબ ઉમદા કાર્ય કરીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.