ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક: આ બિઝનેસ ગ્રુપ 60%થી વધુ હિસ્સો ખરીદશે

Gujarat Titans Team: ‘અમે 2021માં પણ ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝી ખરીદવાની દોડમાં હતા. 4653 કરોડની બોલી લગાવી પરંતુ અમે ચૂકી ગયા હતા. આ વખતે CVC ગ્રૂપ અને ટોરેન્ટની (Gujarat Titans Team) વચ્ચે ફ્રેન્ડલી ડીલ થઈ ચૂકી છે. ફેબ્રુઆરીમાં લૉક ઈન પિરિયડ પૂરો થતાં જ ઓફિશિયલ ડીલ પર સહી થઈ જશે.’ આ નિવેદન છે ટોરેન્ટ ગ્રૂપના એક સિનિયર અધિકારીનું. જેઓ આ વાતની પુષ્ટિ કરે છે કે 3 વર્ષ જૂની IPLની ગુજરાત ફ્રેન્ચાઈઝીના નવા બોસ હવે ગુજરાતની જ કંપની હશે. સૂત્રો મુજબ આ ડીલ 6100 કરોડથી 7800 કરોડ સુધીની હોઈ શકે છે.

5 ફેબ્રુઆરી સુધી આ ડીલ થઈ જશે
અમદાવાદના ટોરેન્ટ ગ્રૂપ અને સીવીસી કેપિટલ પાર્ટનરની સાથે આઈપીએલ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સને ટેકઓવરની સમજૂતી થઈ છે. આ ડીલ હાલ ‘ફ્રેન્ડલી શેકહેન્ડ’ રૂપે થઈ છે. કારણ કે હાલ ટાઈટન્સનો લૉક ઈન પિરિયડ ચાલી રહ્યો છે. BCCIના નિયમો મુજબ લૉક ઈન પિરિયડ દરમિયાન કોઈ પણ ગ્રૂપ પોતાની ફ્રેન્ચાઈઝીને વેચી ન શકે. આ પિરિયડ ફેબ્રુઆરી મધ્યમાં પૂરો થતાં જ બંને ગ્રૂપની વચ્ચે ઓફિશિયલ ડીલ થઈ જશે. ટોરેન્ટના સૂત્રો મુજબ,15 ફેબ્રુઆરી સુધી આ ડીલ થઈ જશે. ડીલ કેટલાની થઈ છે, તે માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

ટોરેન્ટ ગ્રુપ 60% હિસ્સેદારી ખરીદશે
ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીની કિંમત 2021માં 5625 કરોડ રૂપિયા હતી. એવામાં માનવામાં આવી રહ્યું છે કે હાલ આ ફ્રેન્ચાઈઝીની કિંમત 8500થી 9000 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. 3 સીઝનમાં આ ટીમ એક વાર વિજેતા અને એક વાર ઉપ વિજેતા રહી ચૂકી છે. હાલ તેની બ્રાન્ડ વેલ્યૂ 606 કરોડ છે અને ટોપ 10 ટીમોમાં તે આઠમા નંબરે છે. જોકે બંને ગ્રુપ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સીવીસી ગ્રુપ ફ્રેન્ચાઈઝીનું પૂરું હોલ્ડિંગ વેચવાને બદલે તેનો કન્ટ્રોલિંગ સ્ટેક જ ટોરેન્ટ ગ્રુપને વેચી રહ્યું છે, તેથી ટોરેન્ટ ગ્રુપ 60% હિસ્સેદારી ખરીદશે.

આઈપીએલની 18મી સીઝન 21 માર્ચથી શરૂ થશે
એવામાં આ ડીલ 6100 કરોડથી 7800 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. સીવીસી ગ્રુપે 2021માં તેને 5625 કરોડમાં ખરીદી હતી. નોંધનીય છે કે, અદાણી ગ્રુપ પણ આ ફ્રેન્ચાઈઝીને ખરીદવાની દોડમાં સામેલ હતું. 2021માં અદાણી ગ્રુપે તેના માટે 5100 કરોડની બોલી પણ લગાવી હતી. પરંતુ ત્યારે બાજી સીવીસી ગ્રુપે મારી દીધી હતી. આઈપીએલની 18મી સીઝન 21 માર્ચથી શરૂ થશે અને 25 મેના રોજ ફાઈનલ રમાશે. આ સીઝનમાં કુલ 74 મેચ રમાશે.

સીવીસીનું આઈપીએલ ઉપરાંત અન્ય સ્પોર્ટ્સમાં પણ મોટું રોકાણ
193 અબજ રૂપિયાની સંપત્તિવાળી CVC મોટી કંપની છે અને સ્પોર્ટ્સમાં નાણાં રોકે છે. કંપની તરફથી લા લીગા, પ્રીમિયરશિપ રગ્બી, વોલિબોલ વર્લ્ડ અને વુમન ટેનિસ એસોસિયેશન જેવી સ્પોર્ટ્સ સંસ્થાઓમાં નાણાં રોકવામાં આવ્યા છે.

ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીના રેવન્યૂ ગ્રોથમાં નોંધપાત્ર વધારાના સંકેત
ગુજરાત ટાઈટન્સે 2022-23માં 359 કરોડની રેવન્યૂ સામે 429 કરોડનો નેટ લોસ નોંધાવ્યો હતો. પરંતુ 2023-24માં આઈપીએલના સેન્ટ્રલ રેવન્યૂ પૂલના કારણે રેવન્યૂ નોંધપાત્ર વધવાની શક્યતા જોવામાં આવી.