વરસાદથી ત્રાહીમામ: ભરઉનાળે કમોસમી વરસાદથી કેરીને નુકસાન, ગુજરાતમાં બાજરીનો પાક ધોવાયો

Gujarat Unseasonal Rain: રાજ્યના અનેક જિલ્લામાં તારાજી સર્જાઇ છે. જેમાં ખાસ કરીને ભર ઉનાળે આવેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. મોટાભાગના (Gujarat Unseasonal Rain) તમામ ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નવસારી અને વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કેરી, કેળા અને ડાંગર જેવા પાકને નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગણી પણ કરવામાં આવી રહી છે.

ખેડૂતોને ભારે નુકસાન થયું
આણંદ જિલ્લામાં ભારે પવનને કારણે આંબા પરથી 50 ટકા ઉપરાંત કેરી ખરી પડી છે, જેના કારણે ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતે જણાવ્યું કે, ‘આજ દિન સુધી ન કલ્પી શકાય તેવી તારાજી થઈ છે’. ડાંગર, શાકભાજી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ડાંગર ઊભી હોય આડી પડી જતા અને પલળી જતા હવે ડાંગરનો પુરતો ભાવ પણ મળશે કે કેમ તેની ચિંતા થઇ રહી છે.

મહીસાગર જિલ્લામાં સૌથી વધુ ખાનપુર તાલુકામાં વાવાઝોડા સાથે વરસેલા 1 ઇંચ વરસાદે ખેતીના પાક અને ઘાસચારાને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. પાક નુકસાની અંગે ખેડૂતો સરકાર પાસે વળતરની માગણી કરી રહ્યા છે. આસપાસના ગામોમાં અંદાજિત 250 એકર જમીનમાં વાવેતર થયેલ પાકને નુકસાન પહોંચ્યું છે.

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જિલ્લાના નદીસર પંથકમાં બાજરી અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો શાકભાજી પાકો અને ઘાસચારાને નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

વડોદરામાં બાગાયતી પાકમાં નુકસાન
વડોદરા જિલ્લામાં ખેતી અને બાગાયત પાકને નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી વસાવાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મોટા ભાગનો પાક કાઢી લેવામાં આવ્યો છે. જુવારના પાકને નુકસાન થયું છે. ખેતીવાડીની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ઉનાળુ પાકમાં નુકસાન થયું
ગઈકાલે પડેલા વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે. આ સાથે જ તલ અને મગ સહિતના ઉનાળુ પાક પણ માવઠાને કારણે બગડી ગયા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે કેરીના પાકમાં મોટું નુકસાન થયું છે.
કેરીના પાકને નુકસાન થયું

વલસાડમાં કમોસમી વરસાદની અસર કેરીના પાક પર જોવા મળી રહી છે, જેના કારણે કેરીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે. ખેડૂતોને ખેત ઉત્પાદન અને કાપણી કરેલા પાકને સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી ઢાંકવાની સલાહ આપવામાં આવી છે.