ગુજરાતને મેઘરાજાએ તરબોળ કર્યું; વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જાણો ક્યાં કેટલો આવ્યો

Gujarat Heavy Rain: ગુજરાતમાં મેઘરાજા જોરદારના વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ(Gujarat Heavy Rain) વલસાડ, સુરત અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી 22મી જુલાઈથી 26મી જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 30 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ અસરગ્રસ્ત ગામો મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા છે. સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 19 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પોરબંદર જિલ્લામાં 8 ગામો અને જૂનાગઢ જિલ્લામાં 3 ગામો વીજળી વિનાના થયા છે.

45 લોકોનું રેસ્ક્યૂ, 483નું સ્થળાંતર
ગુજરાત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આજે વધુ 45 લોકોને બચાવ દળો દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યભરમાં કુલ 483 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધબધબાટી
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 137 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના ઉમરગામમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં છ ઈંચ, કામરેજમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.તો બીજી તરફ સુરતમાં 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. રવિવારની રજા હોવાથી પરિવાર સાથે ફરવા નીકળેલા લોકો અટવાઈ ગયા હતા.