ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડશે; તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather update: ગુજરાતમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસ અને રાત્રીના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન ગગડ્યું છે અને ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વર્તાઈ રહી છે. ગઇકાલે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ (Gujarat Weather update) સહિતના શહેરોમાં લઘુત્તમ પારો નીચો જતાં ઠંડી અનુભવાઈ હતી. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. આજે સવારે પણ ઠંડા પવનો ફૂંકાયા હતા. 12.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

અમદાવાદમાં ત્રણ દિવસમાં લઘુત્તમ પારો 2 ડિગ્રી સુધી ઘટ્યો
અમદાવાદ શહેરમાં 28નવેમ્બરની રાત્રે લઘુત્તમ પારો 18.1 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જોકે ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધ્યો હતો અને રાત્રીનું એટલે કે લઘુત્તમ પારો 29 નવેમ્બરે ઘટીને 16 ડિગ્રીએ પહોંચ્યો હતો. 30 નવેમ્બરે સાંજથી પારો નીચે ગયો હતો અને ગઇકાલે રાત્રે 15.4 ડિગ્રીની આસપાસ લઘુત્તમ પારો નોંધાયો હતો. પારો ગગડવાની સાથે શીત લહેરો ફૂંકાતા અમદાવાદમાં રાત્રે અને આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
રાત્રીના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 12.4 ડિગ્રી, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7, અમદાવાદમાં 15.4, ભાવનગરમાં 17.5, કંડલા પોર્ટમાં 18.2, વેરાવળમાં 18.2, દ્વારકામાં 18.8 ડિગ્રી અને ઓખામાં 23.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર,વડોદરા સહિતના જિલ્લામાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત મહિસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.બીજી તરફ અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, ખેડા, નર્મદા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.