ગુજરાતમાં પહેલા આવશે વરસાદ અને પછી હાડ થીજવતી ઠંડી; IMD એ કરી મોટી આગાહી

Gujarat Rainfall Warning: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદ પડ્યો હતો. જોકે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક પણ તુલાકમાં વરસાદ નોંધાયો નથી. જોકે, હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદની આગાહી (Gujarat Rainfall Warning) કરી છે.ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે.

24 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આમ આખું ગુજરાત કોરું ધોકાર રહ્યું હતું. ગુજરાતમાં વરસાદે એકદમ વિદાય લીધી હોય એમ કહી શકાય.

ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે ધીમે ધીમે શિયાળાની શરુઆત થઈ રહી છે. ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે. જોકે, અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ગુરુવારે રાજ્યમાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાનથી લઈને 27.6 લઘુતમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધશે
એટલું જ નહીં, 22 થી 24ઓક્ટોબર બંગાળની ખાડીમાં ભારે પવન સાથે વરસાદ આવશે, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. જેથી ઠંડીમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત આવશે. જેની અસર 10 દિવસ પછી તારીખ 17 થી 19 સુધી વધુ વર્તાશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી તકલીફો વધી જશે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાથી ચક્રવાત આવવાની વધુ સંભાવના છે. પરિણામે અણધાર્યો વરસાદ વરસશે.